પ્રવાસ મુલાકાત

ઉમરદશી નદીના ઉદ્દભવ સ્થાન વિસ્તારની મુલાકાત

નદીઓના વહેણની સ્થિતિ સમયાંતરે બદલાયા કરે છે આથી જ તો ભવભૂતિએ કોઈ સ્થાનની ઓળખ માટે નદીઓ કરતાં પર્વતોને પ્રમાણ માન્યા છે. આવા અનેક રહસ્યોને વર્ષોથી જાળવી રાખનાર અરવલ્લીના પર્વતો મારે માટે મોટુ આસ્થાનું કેન્દ્ર છે. અરવલ્લી પથ્થરોનો ઢગલો માત્ર નથી, તે દેવાત્મા છે. અરવલ્લીના પર્વતો વરસાદનું પાણી પી પી સંમોહક વાતાવરણ સર્જી રહ્યા છે. અરવલ્લીની પહાડીઓ ચડતાં જોવું ગમે એવું સ્થળ એટલે આંબલીનાળ જે ઉમરદશી નદીનું ઉદ્દગમ સ્થાન કહેવાય છે. આ ઉમરદશી ઉદ્દગમ સ્થાન દર્શને અમે જન્માષ્ટમીના દિવસે ગયા. કેવું રળિયામણું દ્રશ્ય જાણે અલખની કૃપા. અમને ઘેરીને ઊભેલી અરવલ્લીની ગિરિમાળાઓ – જાણે કોઈ પરલોકમાં ન હોઈએ. વરસાદે વિરામ લીધો છે પણ કેટલાય વહોળા આવ્યા કરે છે અને સાથે મળી નદીનું સ્વરૂપ આપી રહ્યા છે, જે આગળ જતાં ઉમરદશી નદી તરીકે ઓળખાય છે. અરવલ્લીની ગિરિમાળાઓના ભોખરાં, આ ઝાડવાં,આ પંખીડા, આ ઝરણાં એ જ મારે મન મોટુ ભણતર હોય એવું લાગે છે.

ચોમાસા દરમિયાન પહાડોમાંથી વહેતા વધારાના જળને ભૂલાઈ ગયેલા તળાવો અને જલસંચયોમાં વિખેરી દેવા જોઈએ. નદીઓને વહેવા દો પણ નકામાં જતાં વરસાદી પાણીને જમીનમાં ઊતરવા દો. આપણે ત્યાં હિમાલયની ગિરીમાળાઓ જેમ બરફના પહાડો કે હિમશિલાઓ નથી કે નદીઓ ગંગાની જેમ બારેય મહિના વહેતી રહે, માત્ર ચોમાસા દરમિયાન જે અને જેટલો વરસાદ પડે એ પ્રમાણે નદીઓમાં મોસમી પાણી આવે છે અને એ વરસાદી નદીનો જળ પ્રવાહ નદીના નિર્ધારિત ગંતવ્ય સ્થાન સુધી ભાગ્યેજ પહોંચે છે , એટલે બેત્રણ વર્ષે સારો વરસાદ પડવાથી અરવલ્લી ની ગિરીમાળાઓ માંથી નીકળી ચોમાસાના ચાર દિવસ માત્ર અલ્પ માત્રામાં વહેતું પાણી કેટલુ અને કેટલી જમીન રીચાર્જ કરતું હશે એ કહેવું મુશ્કેલ છે. એવા સંજોગોમાં પર્વતોની જમીનની પાણી રીસાવ કરવાની ક્ષમતા અનેક ઘણી વધુ છે એટલે નદી પુરતા પ્રમાણમાં વહી શકે એવી સ્થિતિ ન હોય ત્યારે પર્વતો માં સંચિત થયેલું પાણી ભૂગર્ભ જળ રિચાર્જ કરવામાં કેટલું મદદરૂપ બની શકે એ જાણવું પણ જરૂરી છે. જળગ્રહણ પ્રબંધનની સમજ નકશા અને માનચિત્રો સાથે હોવી જોઈએ. મહેસુલી દસ્તાવેજોમાં નાની નદીઓ, તળાવો અને સરોવરને બરોબરનું સ્થાન આપવું પડશે જેથી તેના પર કોઈ અતિક્રમણ ન કરે.

આપણા વિસ્તારમાં મોટી સિંચાઈ યોજનાઓ ન હોવાથી ખેડૂતોને મોટા ખર્ચાઓ કરીને બોરવેલના પાણી ખેતી માટે વાપરવા પડે છે, આ માટે આકરાં વિજળી બિલ ભરવા પડે છે. નબળી ખેતીની સીધી અસર આ વિસ્તારના વેપારધંધા પર થાય છે. કોઈ પણ વિસ્તારના વિકાસનો આધાર ભૌગોલિક પરિસ્થિતિ પર છે. અલબત્ત સાધનોની મર્યાદા અને વિકાસ પ્રત્યેનો અભિગમ પણ ભાગ ભજવે છે. છતાં આપણે સૈકાઓથી જોતા આવ્યા છીએ કે દરેક સંસ્કૃતિ નો વિકાસ સમગ્ર વિસ્તારમાં પાણી જે સ્થળે હોય એના આસપાસ થયો છે. તેથી વિકાસના આયોજનમાં પણ મનુષ્યને કેન્દ્રમાં રાખવાની સાથોસાથ પાણી ઉપલબ્ધ છે કે કેમ તેમજ ઉપલબ્ધ પાણીનું યોગ્ય મેનેજમેન્ટ કેવી રીતે થાય છે તે પણ જોવાય છે. અરવલ્લીની હારમાળા કેટલું પાણી સંગ્રહ કરતી હશે એની કલ્પના કરવી શક્ય છે કારણ કે વરસાદના વિરામબાદ પણ અરવલ્લીની ગિરિમાળાઓ મા વસેલ આંબલીનાળમાં ઝરણા, વહોળા મારફત અઢળક પાણી વહી રહ્યુ હતુ એ કોઈ કપોળ કલ્પિત વાર્તાઓ માં નથી સાંભળયું પણ નજરોનજર જોયું છે.

હવે જલવિજ્ઞાનીઓ નવો અભિગમ અપનાવવા કહે છે. કુદરતના પરિબળો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાની વાત છે.. ઊંચી ઊંચી ક્રોંકરીટની દીવાલોની કૃત્રિમ આડશોનો વખત ગયો છે.તેની જગ્યાએ નવી ભેજવાળી જમીનો ( વેટલેન્ડ ) નો વારો આવ્યો છે. આપણે આવા વેટલેન્ડ કુદરતી રીતે જ અરવલ્લીની ગીરીમાળાઓમાં જ ન બનાવી શકીએ.? મે આ વિસ્તારની જમીન જોઈ તો લાગ્યુ કે અરે અહી આ પર્વતો ની જમીનમાં વધારાનું વહી જતુ પાણી કુદરતી રોકીને ભરપૂર રીચાર્જ થઈ શકે એમ છે એ રિચાર્જ થયેલું પાણી કેટલા વિસ્તાર સુધી ભૂગર્ભ જળ રીચાર્જ કરવા અસરકારક બનશે એ જો કે સંશોધનનો વિષય છે પણ સામાન્ય બુદ્ધિથી એટલું તો સમજાય છે કે પર્વતોના હવા – પાણી – વનસ્પતિઓ થકી  ફળદ્રુપ બનેલ જમીન ઉપર ઊંચાઈએ થતું શુદ્ધ અને નિર્મળ પાણીનું રિચાર્જ ઘણા મોટા વિસ્તાર સુધી ભૂગર્ભ જળ રિચાર્જ કરવા માટે અસરકારક બની શકે. ખાસ કરીને ડુંગરાળ પ્રદેશોના જંગલોએ વરસાદના ચક્ર ઉપર , જમીન ધોવાણ અટકાવવા માટે તેમજ ભૂગર્ભીય જળમાં ઉમેરો કરવા મહત્વનો ભાગ ભજવ્યો છે. જલ વિજ્ઞાનીઓ કહે છે કે નદીઓને ફેલાવા માટે જગ્યા આપવી જોઈએ. નદીઓને ઢાળ પરતા પ્રવાહને સપાટી પરની અને ભૂગર્ભ નદીઓ જીવંત બને તેવા અસરકારક પ્રયત્નો કરવા જોઈએ. વરસાદનું પાણી એ સંચય કરવા જેવી સંપત્તિ છે પછી એ નદીના સ્વરૂપમાં હોય, વેટલેન્ડ સ્વરૂપે હોય, તળાવ સ્વરૂપે હોય કે બોર- કૂવા રિચાર્જ સ્વરૂપે હોય. કુદરતી પ્રક્રિયા ને હાની પહોંચાડયા વિના આ કામ કેટલા અસરકારકરૂપે થઈ શકે એ મહત્વનું છે. પહાડો ઉપર સંગ્રહીત પાણીનું જમીનમાં પરકોલેશન સારી રીતે થાય છે , જે ભૂગર્ભ જળને રીચાર્જ કરવામાં મદદરૂપ બને છે.

નૈનિતાલ જિલ્લામાં મારા મિત્ર ચંદનસિંહ નયાલ પોતાના વિસ્તારની પહાડી પર નાના તળાવ બનાવી પહાડી પરથી વહી જતું પાણી પહાડી પર જ રોકી તેને પહાડની ફળદ્રુપ જમીનમાં રિચાર્જ કરવાનું કાર્ય ઘણા સમયથી કરે છે. તેમનું સ્પષ્ટ માનવું છે કે પહાડો ઉપર આ રીતે થતું જળસંચય લાંબા વિસ્તારો સુધી ભૂગર્ભ જળ રીચાર્જ કરવાનું કાર્ય ઉત્તમ અને અસરકારક હોય છે.

ભારતની નદીઓ જંગલના વૃક્ષોને આભારી છે એ સત્ય મેં અરવલ્લીની પહાડીઓમાં આંબલીનાળમાં જોયું. ઉમરદસી ઉપર જે રીતે અતિક્રમણ થયું છે એ દુ:ખદ છે. નદીનો રસ્તો બદલવો તે ઈકોલોજિકલ આપત્તિ લાવશે માટે આ માટે યોગ્ય ઉકેલ છે નદી માટે કયો વ્યવહાર યોગ્ય છે તે માટે લોકોમાં જાગૃતિ લાવવી. નદીની બંન્ને બાજુ વૃક્ષો ઉગાડવાથી તે પાણીને ખેંચી લાવશે અને ધીમે ધીમે નદીઓ પાણીથી ભરાશે. ચોમાસાની ઋતુ નિયમિત થશે. માટીનું ખનન થતું રોકાશે. ઉમરદશીના તટપ્રદેશ ને સાચવવાની જરૂર છે, બાકી પાણી તો અરવલ્લીના પર્વતો અને જંગલો અઢળક આપી શકે એમ છે. અરવલ્લીનો પાણીયારી ગુરૂ પર્વત વિસ્તાર માંથી નદી સ્વરૂપે ત્રણ સ્ત્રોતો નીકળે છે એક ઉમરદશીનું ઉદ્દગમ સ્થાન , બીજો પાણીયારી ધોધ સ્વરૂપે પડે છે, જે આગળ જતાં જોયણી નદી તરીકે ઓળખાય છે અને વડગામ તાલુકાના સલેમકોટ પાસે સરસ્વતીમાં ભળી જાય છે. ત્રીજો જળ સ્ત્રોત કરમાવાદ સરોવરમાં જાય છે.

અમે આ વિસ્તારમાં એવા સ્થળો જોયા જે પાણીનો જમીનમાં રીસાવ ખૂબ સારી રીતે કરી ભૂગર્ભ જળને સમૃદ્ધ બનાવી શકે. સમગ્ર વિસ્તાર ની જમીન વરસાદી પાણીને વ્યવસ્થિત પરકોલેશન કરી જળસંચય માટે ઉત્તમ છે એ સત્ય સમજવાની જરૂર છે. હવે ધીમે ધીમે પ્રાકૃતિક સ્થળો પર્યટન સ્થળો બનવા લાગ્યા છે ત્યારે સ્વર્ગની અનુભૂતિ કરાવતા આબંલીનાળ જેવા પ્રાકૃતિક સ્થળો તેના અસલ સ્વરૂપમાં જળવાઈ રહે તે જરૂરી છે. પહાડો માથી ઝરણા અને વ્હોળા સ્વરૂપે નિર્મળ વહેતા સ્વચ્છ પાણીનો અવાજ, પક્ષીઓને કલરવ, મંદ મંદ વાતો પવન અને શાંત વાતાવરણ વચ્ચે અમને સ્વર્ગની અનુભૂતિ અનુભવાતી હતી.

અરવલ્લી ગીરીમાળાઓમાં આવેલ આ જગ્યા પ્રાકૃતિક રીતે જ જળવાઈ રહે અને પર્યટન સ્થળ ન બને તે હેતુ એનો વિકાસ કરવાની કોઈ જ જરૂરિયાત જણાતી નથી. અસલ જંગલનો માહોલ હજુ સચવાઈ રહ્યો છે. છતાં પણ કોઈને આ જગ્યાની મુલાકાત લેવાની ઈચ્છા હોય તો સ્થળ જાણકાર વ્યક્તિઓની મદદ વિના મુલાકાત ન લેવી કારણ કે જંગલ ભુલભુલામણી કરાવી દે એવું છે તેમજ વન્ય પ્રાણીઓની ઉપસ્થિતિ પણ જોખમકારક બની શકે છે. કોઈ અકસ્માત થાય તો આ સ્થળેથી બહાર નીકળતા ખૂબ મુશ્કેલી પડી શકે એમ છે એટલે વગર વિચારે અને પુરતી તૈયારીઓ વિના આવા સ્થળોની મુલાકાત લેવી જોઈએ નહી. આ સ્થળે જવાનું બને તો કોઈ પ્લાસ્ટિક કે ગંદકી કરશો નહી. પ્રાકૃતિક નિયમોમાં રહી પ્રકૃતિ ને માણવી જરૂરી છે.

નિતીન પટેલ (વડગામ)

 

2 Comments
  1. Sunil Gol 3 years ago
    Reply

    અદભુત માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર નીતિન ભાઈ સાથે સાથે કિરણ ભાઈ એ જે પોતાના વિચારો વ્યક્ત કર્યા એ ખરેખર સમજવા જેવા છે આવા જમીન સાથે જોડાયેલા માણસો જોડેથી ખૂબ જ ઉપયોગી માહિતી મળે છે ખરેખર હું પણ આંબલીનાલ ની મુલાકાત અવશ્ય લઈશ અને તમે આવા સ્થળો ની માહિતી આગળ પણ આપતા રહેશો એવી શુભેચ્છા પાઠવું છું આભાર….

    સુનીલ ગોળ (બાવાલચુંડી, માજી સૈનિક)

    • info@readnitin.in 3 years ago
      Reply

      આભાર સુનિલભાઈ. ધાર્મિક,રાજકીય અને સામાજિક બાબતો સીવાય પણ એવી ઘણી બધી બાબતો છે જેના પ્રત્યે પ્રજાજનોએ હવે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.

Leave a Comment

Your email address will not be published.

You may also like

Read More

post-image
પ્રવાસ મુલાકાત

રાજસ્થાનના આધ્યાત્મિક સ્થળોની મુલાકાત

12મી ઓક્ટોબર,૨૦૨૪ ને  વિજયાદશમીના દિવસે  અમારી ગુજરાતના પાલનપુર નજીક આવેલ વડગામ થી રાજસ્થાનના ઝાલોર જિલ્લાના બડગામની સફર રોચક રહી. ગુજરાતની બોર્ડર ઉપર આવેલ પાંથાવાડાથી...
Read More
post-image
ઇન્ટરવ્યું મુલાકાત

વ્યક્તિ આત્મહત્યા કેમ કરે છે ? એને અટકાવવાના ઉપાયો શું છે ?

આત્મહત્યા એ કોઇ પણ સમસ્યાનો અંતિમ ઉપાય નથી. આજે સામાજિક જીવનમાં જે રીતે દિન-પ્રતિ દિન આત્મહત્યાઓનુ પ્રમાણ વધી રહ્યુ છે તે માનવજીવન માટે શરમજનક...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

પ્રાચીન અરવલ્લી અને તેની તળેટીમાં આવેલ ઐતિહાસિક કરમાવાદની મુલાકાત – ભાગ-૧

અરવલ્લીના પહાડોની તળેટીમાં વર્ષો પહેલા પાલનપુરના દિવાન કરીમદાદખાને પોતાના નામ ઉપરથી કરીમાદાદ નામનું નગર વસાવ્યું હતું, જે આજે અપભ્રંશ થઈને કરમાવાદ તરીકે ઓળખાય છે....
Read More
post-image
Uncategorized

પ્રકૃતિ દર્શન – સલીમ અલી પોઈન્ટ

૨૮ મી જુલાઈ-૨૦૨૪ ની વહેલી સવારે અમે સૌ પર્યાવરણ પ્રેમી મિત્રો પાલનપુર સ્થિત જન સેવા એ જ પ્રભુ સેવા ગ્રુપ દ્વારા આયોજિત પ્રકૃતિ દર્શન...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

ઉત્તર ગુજરાતના ઐતિહાસિક સ્થળોએ આવેલ પ્રાચીન સ્થાપત્યોની અભ્યાસ મુલાકાત.

૧૪ જુલાઈ ૨૦૨૪ ને રવિવારના રોજ ગુજરાત સ્થિત અતુલ્ય વારસો સંસ્થા દ્વારા હેરીટેજ વોક અંતર્ગત ઉત્તર ગુજરાતના ઐતિહાસિક નગરો એવા મોઢેરા , પાટણ અને...
Read More