૨૮ મી જુલાઈ-૨૦૨૪ ની વહેલી સવારે અમે સૌ પર્યાવરણ પ્રેમી મિત્રો પાલનપુર સ્થિત જન સેવા એ જ પ્રભુ સેવા ગ્રુપ દ્વારા આયોજિત પ્રકૃતિ દર્શન – વંદન હેતુ પાલનપુર થી માઉન્ટ આબુ તરફ પ્રયાણ કર્યું. વરસાદી વાતાવરણ વચ્ચે અમે પ્રકૃતિને મનભરીને માણવા-જાણવા ઉત્સુક હતા. સાથે જોડાયેલ તમામ મિત્રો કોઈને કોઈ સામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા, એટલે સ્વાભાવિક છે કે તમામ મિત્રો વચ્ચે સૌથી મહત્વપૂર્ણ ગણી શકાય એવી વૈચારિક સામ્યતા હતી એટલે અમારી સફર વિશેષ અભ્યાસપૂર્ણ અને આનંદ દાયક બનવાની હતી.
વહેલી સવારે વાહનમાં તળેટીથી માઉન્ટનું ચઢાળ કરતી વખતે અમે સૌ માઉન્ટની આજુબાજુ વરસાદી પાણીથી હરિયાળા બનેલા અરવલ્લીના ખૂબસૂરત પર્વતોના અફાટ સૌન્દર્યનું રસપાન કરી રહ્યા હતા. વાદળો નું ધુમ્મસ એ સૌન્દર્યને નિખારી રહ્યું હતું. ધુમ્મસ વચ્ચેથી અમે પસાર થઇ રહ્યા હતા, ત્યારે કુદરતના કરિશ્માનો જાદુ અનેરો હતો. શું એ સમગ્ર માહોલ હતો? એ તો આપણે એ અનુભવીએ ત્યારે ખ્યાલ આવે. રવિવાર હોવાથી વાહનો ની અવરજવર વધુ હતી. પ્રકૃતિ જાણે અમને પ્રેમપૂર્વક આવકારી રહી હોય એવી સંવેદના અમે અનુભવી રહ્યા હતા.
પ્રકૃતિમાં રહેતા વન્યજીવો પ્રકૃતિના પ્યારા સંતાનો છે અને એમના પ્રાકૃતિક ખોરાકની વ્યવસ્થા કુદરતે કરેલી છે, એટલે આપણે એમના જીવનમાં હસ્તપેક્ષ કરવાની ખાસ કોઈ જરૂર નથી છતાં આબુ પર્વત આવતા પર્યટકો દ્વારા રસ્તામાં વાંદરાઓને બિસ્કીટ અને બિનજરૂરી ખોરાક આપીને ભંયકર ભૂલ કરી રહ્યા છે એ સમજવું અત્યંત જરૂરી છે. માઉન્ટ આબુ એ ખરેખર તો પ્રાકૃતિક સ્થળ છે, પણ એને પર્યટન સ્થળ બનાવી આપણે ભયંકર ભૂલ કરી બેઠા છીએ. પ્રકૃતિને ભયંકર નુકશાન પર્યટકોએ કર્યું છે. માઉન્ટ આબુમાં ગંદકી એ સોનાની થાળીમાં લોઢાની મેખ સાબિત થઇ રહી છે. ખેર એ તો જ્યાં સુધી નાગરીકોમાં સ્વયં શિસ્ત નહી આવે ત્યાં સુધી આપણે એ સહન કર્યા વિના છુટકો નથી. માઉન્ટ આબુ ગીચ બની રહ્યું છે. પણ અમારે તો જંગલ દર્શને જવાનું હોવાથી આ બધી બાબતો પ્રત્યે ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી.
આબુ સ્થિત જૈન ભોજનશાળામાં સવારનો હળવો પૌષ્ટિક નાસ્તો કરી અમે જંગલ પ્રવેશ માટે તૈયાર થઇ ગયા. જયારે તમે ટ્રેકિંગ માટે કે વન ભ્રમણ માટે જતા હો ત્યારે પેટ થોડું હલકું રાખવું સાથે સાથે સાથે પ્રકૃતિના નિયમોને અનુસરીને જવું તેમજ થોડી જિજ્ઞાશા તેમજ નવું જાણવા સમજવાની અભ્યાસવૃતિ પણ રાખવી. વન પરિભ્રમણમાં આનંદ સાથે ઘણી બધી બાબતો સમજવા – શીખવા – જાણવા જેવી છે એટલે એ બાબતોનો પણ ચોક્કસ ખ્યાલ રાખવો. સાથે બને ત્યાં સુધી યુઝ એન્ડ થ્રો વાળી પ્લાસ્ટિકની વસ્તુઓ સાથે ન લઇ જવી અને લઇ જવી પડે તો એનો ઉપયોગ કાર્ય બાદ ગમે ત્યાં ફેંકી ન દેતા પોતાની સાથે પરત લાવવી. બને ત્યાં સુધી વન પરિભ્રમણ વખતે શાંતિ રાખવી , બહુ કોલાહલ ન કરવો કારણ કે આપણે વનમાં પર્યટન માટે નહી પણ પ્રકૃતિ દર્શન હેતુ જતા હોઈએ એટલે વનની સંપદા અને વન્યજીવો ને કોઈ અડચણ ન થાય એની તેકેદારી પૂર્વક એક જવાબદાર પ્રકૃતિપ્રેમી તરીકે વનમાં પ્રવેશ કરવો જોઈએ નહી તો પછી પ્રાકૃતિક સ્થળોની જગ્યાએ પર્યટન સ્થળોએ જ એ બેસી મોજ મજા કરવી જોઈએ. અમને સતત વન પરિભ્રમણ થકી આ બધી બાબતો શીખવા મળી છે.
અમારી સાથે ગાઈડ તરીકે વન્ય પરિભ્રમણના અનુભવી શ્રી નિર્મલસિંહ માર્ગદર્શક તરીકે જોડાયા હતા જેમના બહોળા વન્ય પરિભ્રમણના અનુભવનો લાભ અમને મળવાનો હતો. જંગલ પ્રવેશ યોગ્ય ગાઈડ ને સાથે રાખી કરવો અંત્યંત જરૂરી છે એ પણ અમને અમારા વન પરિભ્રમણમાંથી શીખવા મળ્યું છે. ભારતના પ્રખ્યાત પક્ષીવિદ સલીમ અલી દ્વારા જે સ્થળે પક્ષી નિરિક્ષણ કરવામાં આવ્યું છે એવા વ્યક્તિ વિશેષના નામે સલીમ અલી પોઈન્ટ નામે સુંદર જગ્યાના દર્શન કરવવા અમારા ગાઈડ નિર્મલસિંહ અમને લઈ જઈ રહ્યા હતા. નિર્ધારિત સમયે અમે એમની સાથે સલીમ અલી પોઈન્ટની જગ્યાએ પ્રવેશ કર્યો તો શાંત નિર્મળ જગ્યાએ એ પક્ષીઓના વિવિધ મધુર અવાજોએ અમારું સ્વાગત કર્યું. વરસાદ થોડો સમય પહેલા જ વરસ્યો હતો અને અમારી મુલાકાત દરમિયાન અમને કોઈ મુશ્કેલી ન પડે તે હેતુ મેઘરાજાએ વિરામ લીધો હતો . અહેમદભાઈ હાડા સાહેબ , સુરેશભાઈ રાવલ સાહેબ, અશોકભાઈ પઢીયાર, જયેશભાઈ સોની , નિર્મલસિંહ અને હું પ્રકૃતિનો ભરપૂર આનંદ માણતા આગળ વધી રહ્યા હતા.
નાના-નાના વિવિધ જીવ-જંતુઓથી માંડીને તેને આધારરૂપ વિવિધ પ્રકારના વૃક્ષવેલા સાથે ધરતી માંથી ઉગી નીકળેલું હરિયાળું ઘાસ ઉપર આકાશમાં વરસાદી વાદળોની ચહલ પહલને નીરખતા અમે સૌ જંગલ માં મંગલનો અહેસાસ અનુભવતા આગળ વધી રહ્યા હતા. આગળ જતા ફોરેસ્ટ વિભાગ દ્વારા એક ટાવર છત્રી બનાવવામાં આવી છે જ્યાંથી ખૂબ સારી રીતે વિવિધ પક્ષીઓના દર્શન –અભ્યાસ કરી શકાય છે. ઉપરાંત આજુબાજુ ના કુદરતી વાતાવરણને પણ ખૂબ સારી રીતે માણી-જાણી શકાય છે. આ ખૂબ સારી વ્યવસ્થા જંગલ વિભાગે ઊભી કરી છે તે બદલ જંગલ વિભાગ ને અભિનંદન આપવા પડે.ભારતના જાણીતા પક્ષીવિદ સલીમ અલી જેમણે વિવિધ પક્ષીઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે તેમણે પણ આ જગ્યાએ પક્ષી નિરિક્ષણ કરેલું છે. પક્ષીઓના જીવન ચરિત્રને સમજવા અંખડ તપસ્યા કરેલી છે. એમના નામ ઉપરથી આ જગ્યાનું નામ સલીમ અલી પોઈન્ટ એવું આપવામાં આવ્યું છે. સલામ સલીમ અલીને કે જેમણે પોતાનું જીવન પક્ષીઓના સંશોધન પાછળ સમર્પિત કરી દીધું.
બર્ડ વોચ ટાવર પોઈન્ટથી અમે આગળ વધ્યા ત્યાં થોડેક દૂર એક ચેક ડેમ બનાવવામાં આવ્યો છે. અમારી મુલાકાત પડેલા થોડા વરસાદ થકી આ તળાવમાં થોડુંક પાણી જોવા મળતું હતું. પ્રાકૃતિક પરિવેશમાં અહી ચેક ડેમ બન્યો હોવાથી એ સુંદર લાગી રહ્યો હતો. પાસે જ એક નાનું ઝરણું કુદરતી રીતે એકધારું વહેતું હતું એના એકધારો વહેવાનો કર્ણપ્રિય અવાજ અમને સૌને મંત્રમુગ્ધ કરી રહ્યો હતો. આપોઆપ ધ્યાન લાગી જાય એવો માહોલ હતો. શાંત પ્રાકૃતિક નિર્મળ વાતાવરણ વચ્ચે હવામાં વહેતો પક્ષીઓનો કલરવ, ખળ-ખળ વહેતું ઝરણું , મંદ મંદ પસાર થતી શુદ્ધ હવા અને ઉપર વરસાદી વાદળોની ઝમાવટ વાતાવરણને ખૂબસુરતી આપી રહ્યું હતું. જંગલની ખરી મજા હવે શરૂ થઇ રહી હતી. એહમદભાઈ હાડા એ સુચન કર્યું કે આપણે બે ઘડી ધ્યાન ધરીએ અને અમે સૌ પ્રકૃતિના સાનિધ્યમાં ધ્યાન મગ્ન બની ગયા. શું એ અલૌકિક અહેસાસ હતો જેનું વર્ણન કરી શકાય એમ નથી. માનવીઓની તમામ બીમારીઓનો ઈલાજ જંગલ પાસે છે એ મને સતત સમજાતું રહ્યું છે. જંગલ માં મંગલ એ શબ્દ કદાચ એ અર્થમાં જ પ્રયોજાયો હશે એમ માનવું પડે. ત્યાં અશોકભાઈ પઢીયારે સુચન કર્યું કે આપણા જીવનમાં જે જે વ્યક્તિઓ કે પ્રકૃતિના આપણી ઉપર ઉપકારો છે તે તમામનો આપણે બે હાથ જોડીને પ્રકૃતિની સાક્ષીએ આભાર માનવો જોઈએ અને અમે સૌ એમને અનુસર્યા.
પ્રકૃતિ પાસેથી ભરપૂર ઊર્જા અને આશિર્વાદ પ્રાપ્ત કરી એની અલોકિક અનુભૂતિનો અહેસાસ અનુભવી અમે અમારી વનદેવીની યાત્રા પૂર્ણ કરી પરત ફરી રહ્યા હતા. આવા ગાઢ જંગલોમાં રીંછ , દીપડા જેવા વન્ય પ્રાણીઓનો પણ નિવાસ હોય છે એટલે સમૂહમાં અને શાંતિપૂર્ણ રીતે કોઈ જાણકાર ગાઈડના માર્ગદર્શન નીચે આવી જગ્યાઓની મુલાકાતે જવું જોઈએ. જો કે વન્યપ્રાણીઓ એમની મર્યાદામાં રહેતા-જીવતા હોય છે, એ એમનો માનવજાત ઉપર મોટો ઉપકાર છે એમની જગ્યામાં પણ માનવીઓનો પ્રવેશ તેઓ સહન કરી લેતા હોય છે. આબુ હિલ સ્ટેશન આજુબાજુ લગભગ ૧૬ ગામ છે એ પૈકી અમે સૌ સલીમ અલી પોઈન્ટની મુલાકાત લઈને વાયા પાવઠા , સાલગાવ થઇને પરત માઉન્ટ આબુની માનવીઓની ભીડમાં આવી ગયા. જૈન ભોજન શાળામાં બપોરનું સાત્વિક ભોજન લઈ અમે સોલંકી કાલીન દેલવાડાના દહેરા જોવા ગયા. અહી આકરા નિયમોનું પાલન કરવું પડે છે. હજાર ઉપરાંત વર્ષોના મંદિર સ્થાપત્ય ઉપર કરવામાં આવેલી કોતરણીઓ અને મૂર્તિઓ જોઈને અચંબિત થઇ જવાય છે. સોલંકી રાજા ભીમદેવ-1લાના મંત્રી વિમલ શાહે વિ.સં. 1088 (ઈ. સ. 1031-32)માં અહીં બંધાવેલું મંદિર ‘વિમલવસહી’ (વિમલવસતિકા) નામે ઓળખાય છે. મંદિરમાં ગર્ભગૃહ, અંતરાલ, ગૂઢમંડપ, નવ ચોકી, રંગમંડપ, દેવકુલિકાઓ, બલાણક, હસ્તિશાલ અને તોરણ વગેરે સ્થાપત્યકીય અંગો આવેલાં છે. એમાં કુલ 117 મંડપો અને 121 સ્તંભો છે. ગર્ભગૃહ અને એની સાથે જોડાયેલ ગૂઢમંડપ (એનાં ઉત્તર-દક્ષિણનાં દ્વારો તથા તેમની સાથે જોડાયેલ ચોકીઓ સિવાય) મંત્રી વિમલના સમયના હોવાનું સ્પષ્ટ થાય છે.
લગભગ એક કલાક જેટલો સમય દેલવાડાનું અદ્દભૂત સ્થાપત્યને નિરખી અમે નખી લેક તરફ જવા પ્રયાણ કર્યું પણ રવિવારની રજાની લીધે માણસો અને વાહનોની એટલી ભીડ હતી , એટલો ટ્રાફિક હતો અને એમાં વચ્ચે એક વરસાદી ઝાપટુ વરસી ગયું એટલે અમે પરત પાલનપુર જવાનું યોગ્ય માન્યું કારણ કે અમારે મન પર્યટન કરતા પર્યાવરણ મહત્વનું હતું અને એનો ભરપૂર આનંદ અમે માણયો હતો એનો અમને સૌને સંતોષ હતો. એક યાદગાર અને નવી જગ્યાની સફર કરી, તનમનમાં તાજગી ભરી તેમજ સફરની યાદો કેમેરમાં કેદ કરી અમે સાંજે પાલનપુર નવી ઉર્જા સાથે પરત ફર્યા.
– નીતિન પટેલ (વડગામ)
ખૂબ ખૂબ અભિનંદન
ગુર્જરધરા અને શૂરવીર મહારાણા પ્રતાપ ના મેવાડ પ્રદેશ ને સાંકળતો સેતુ એક ભવ્યાતિભવ્ય પ્રાકૃતિક ઓળખ એટલે આપણો પર્વતાધિરાજ આબુ કે જેના પ્રાકૃતિક દર્શન થી ભાવવિભોર થયેલા આપણા આદરણીય પ્રકૃતિ પ્રેમી સહ ભક્ત કવિ એવા શ્રી નાન્હાલાલે એક સરસ મજાની કવિતા લખેલ છે જોકે મને તે યાદ નથી પરંતુ એક પંક્તિ જરૂર યાદ આવી
“ અષાઢે પરાં વાદળાં પાસ આવે ,
જતાં વેત જોવાની જુક્તિ જણાવે …..”
આમ અષાઢ માં આબુ નું પ્રકૃતિ દર્શન કંઈક વિશેષ જ છે
વળી આપે તો સમાન વિચારો ધરાવતા પ્રકૃતિ મિત્રો સાથે મેવાડી ઓરણ (દેવતાઈ વન) માં સલીમ અલી પોઈન્ટ ની મુલાકાત કરી
દેલવાડા ના દેરા ના દર્શન કર્યા અને અમને પણ કરાવ્યા
પ્રવાસ વર્ણન ની દિલ થી કરેલી અભિવ્યક્તિ ને
હાર્દિક અભિનંદન
જય શ્રી કૃષ્ણ
જન સેવા એજ પ્રભુ સેવા ના બેનર તળે તપસ્યા ની તપોભૂમિ માં તેના ખોળે અને પ્રકૃતિ ના પાલવ ની છત્રછાયા માં મૂંગા તપસ્વી સંતો ના દામનમાં નિજાનંદ માણવા નો, નિહાળવાનો, અને તેની હરિયાળી લીલોતરી ને આંખ વડે જોઈ ભીતર માં ઉર્જા સ્ત્રોતને સંઘરવા નો જે અલૌકિક અવસર ના વધામણા ને મૌલિક ભાષામાં શ્રી નિતીનભાઈ પટેલ તમારી ડાયરી માં શબ્દોની સજાવટ વડે જે કદમ અને ડગલાં સાથે કંડારવામાં નો પ્રયાસ છે તે કાબિલે દાદ છે અને એક હિલ સ્ટેશન સાથે જે માણ્યું, જોયું,મહેસુસ કર્યું તે ખરેખર તેનું સ્થાન અને સ્થળની ભૌગોલિકતા સાથે ભૂમિતિ ની ગણતરી ને યાદ રાખી ટાંકવા ના અદકેરો પ્રયત્ન ને વંદન. *જયશંકર* ખરેખર ખુબ જ સુંદર લખાણ બદલ અભિનંદન.