વડગામ તાલુકાના કરનાળા ગામે આવેલ દેવી શક્તિ ભટેશ્વરી માતાજી સ્થાનક દર્શને જવાનો યોગ તા. ૦૬.૧૧.૨૦૨૨ ને રવિવારના રોજ થયો. કરનાળા ગામમાં આવેલ ટેકરી ઉપર પર્વતીય ગુફામાં બિરાજમાન ગામની કુળદેવી માં ભટેશ્વરી દેવીનો ઇતિહાસ અતિ પ્રાચીન છે એટલે માતાજી અહી કયારે બિરાજમાન થયા એનો કોઈ સતાવાર ઇતિહાસ પ્રાપ્ત થતો નથી, પણ ગામલોકોની માતાજીમાં ગજબ આસ્થા એટલે તો માતાજીના આશિર્વાદથી માં ભટેશ્વરી સ્થાનકને આજે દર્શનાર્થીઓ માટે સુવિધાયુક્ત બનાવી રહ્યા છે. કરનાળાની ટેકરી ઉપર બિરાજમાન ભટેશ્વરી માતાજી સ્થાનક જોતા અને આજુબાજુનું પ્રાકૃતિક વાતાવરણની રમણીયતા જોતાં આપણને સહજ અનુભૂતિ થાય કે માતાજીનું આ સ્થાનક એ એક જાગ્રત જગ્યા છે. હિલ સ્ટેશનરૂપી ટેકરી ઉપરથી શેભર ભાંખરી, છાનિયાણા ભાંખરી અને ગુરૂ મહારાજ પર્વત નરી આંખે જોઈ શકાય છે.
ગામથી ઊંચાઈ ઉપર પર્વતની ગુફામાં બિરાજમાન ભટેશ્વરી સ્થાનક ઉપર અદ્દભૂત શાંતિનો અનુભવ થાય છે. થોડા સમય થી ગ્રામજનોએ ગ્રામજનો અને ગ્રામપંચાયત સહયોગથી ટેકરી ઉપર થોડે સુધી વાહન જઈ શકે એવો સિમેન્ટ નો રોડ પણ બનાવડાવ્યો છે. એનાથી ઉપર જવા સીડીઓનું નિર્માણ કરાવ્યું છે. અંબાજી ચાચર ચોક જેવા ચોકનું નિર્માણ કર્યું છે. પીવાના શુદ્ધ પાણી હેતુ દાતાના સહયોગથી પરબ બંધાવી છે. જાત મહેનતે થાંભલા ઊંચકી લાઈટની વ્યવસ્થા કરાવી છે. બેસવા માટે બાંકડા મુકાવ્યા છે. ધર્મશાળા બનાવી છે. ફુલ છોડ અને વૃક્ષો ઉછેર્યા છે. સમગ્ર ધાર્મિક અને પ્રાકૃતિક જગ્યાની સ્વછતા અને સુંદરતા જાળવાય એનો સંપૂર્ણ ખ્યાલ ગ્રામજનો દ્વારા રાખવામાં આવ્યો છે. કોઇ ટ્રસ્ટ નથી પણ સંપૂર્ણ ભટેશ્વરી માતાજીનો વહીવટ ગ્રામજનો સ્વયમ ગ્રામજનો વિશ્વાસ અને આસ્થા સાથે કરી રહ્યા છે.
ગામ લોકો વર્ષ દરમિયાન પ્રસંગોપાત આ ધાર્મિક અને પ્રાકૃતિક જગ્યાએ એકઠા થાય છે અને પ્રસંગોચિત ઉજવણી સાથે સામુહિક ભોજન લે છે. વિકાસલક્ષી ચર્ચાઓ કરે છે. ધાર્મિક સ્થળો માત્ર વિધિવિધાનો પૂરતા સીમિત ન રહેતા જે જન ઉપયોગી બનવાની સાથે સમાજજીવનમાં પ્રેરક કાર્યો માટે પ્રેરણારૂપ બને તેવા સામુહિક પ્રયત્નો કરવા જોઈએ અને આવું સુંદર કાર્ય ભટેશ્વરી માતાજી સ્થાનકે કરનાળા ગ્રામજનો કરી રહ્યા છે, જે આધ્યાત્મિકતાને ખરા અર્થમાં દિપાવી રહ્યા છે.
દેવી શક્તિ ભટેશ્વરી માતાજીના સ્થાનક એવા પ્રાકૃતિક સ્થળને આસ્થા અને શ્રધાપૂર્વક દાતાશ્રીઓના દાન અને લોક સહકારથી સાચવી અને વિકસાવી રહેલા કરનાળા ગ્રામજનોને અભિનંદન આપું છું……..જય માં ભટેશ્વરી !!!