આજે પોતાના ઘરડાં માતા પિતાને સાચવવા કોઈ તૈયાર નથી ત્યારે 1000 થી વધુ નિરાધાર,અશક્ત અને બિમાર પશુ પક્ષીઓને આશરો આપી તેઓની સેવા ચાકરી કરી તેઓ જીવન નિરામય જીવી શકે એવી વ્યવસ્થા કરવી એ આપણને વિચારતા કરી મુકે એવું ભગીરથ કાર્ય છે.
મુળ દાંતા (ભવાનગઢ) થી વર્ષો પહેલાં છુટું પડેલું સુદાસણા સ્ટેટ ૨૪ ગામનું સ્ટેટ હતું જેમાંનવાસુદાસણા, ડાવોલ, જસપુર, નજોપુર, તાલેગઢ, મહમદપુર, તખ્ખતપુર, રાણપુર વિગેરે ઠાકોરસાહેબે પોતાના હસ્તક રાખી પાંચ ગામ નજીકના ભાયાતોને વહીવટ અર્થે આપેલાં હતાં, જેમાં પિરોજપુરા, ખિલોડ, રીછડા, ઈશાકપુરા અને ચિકણા ગામોનો સમાવેશ થાય છે. આઝાદી પહેલાંના સમયમાં આ ગામ મહી કાંઠા એજન્સીમાં આવતું હતું. મોટે ભાગે પહાડીઓથી ઘેરાયેલું આ ગામ એક સમયે “નાની મારવાડ” તરીકે પ્રચલિત હતું. કારણ કે, મહદ્ અંશે રાજપૂતોની વસ્તી ધરાવતું આ ગામ રાજસ્થાન સાથેના સામાજીક સંબંધો ધરાવે છે. જેથી આજે પણ અહીં રાજસ્થાની રીત-રીવાજ જોવા મળે છે.
રાજાશાહી કાળમાં સ્ટેટ તરીકે ઓળખાતા સતલાસણા તાલુકાના શ્રી તારંગા તીર્થ સમીપ આવેલ સુદાસણા સ્ટેટના રાજવી કર્તિીકુમારસિંહજી અને તેમનાં ધર્મપત્ની લક્ષ્મીકુંવરબાનું એકમાત્ર સંતાન રાજકુમારી હેમાંગીનીકુમારીએ વિદેશમાં ગ્રેજ્યુએશન પુરૂ કર્યા બાદ પોતાનું જીવન મૂગાં અને અબોલ પશુઓને સર્મપિત કરી દીધું હતું. શાહીમહેલમાં રહેવાને બદલે સુદાસણાની સીમમાં વિશાળ આશ્રમ નિર્માણ કરી સામાન્ય કુટીરમાં નિવાસ કરતાં હતાં. આર્શીવાદ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી તેમણે અત્યાર સુધીમાં અસંખ્ય બીમાર અને ઘાયલ પશુ-પંખીઓની સારવાર કરી છે.
ઇતિહાસ માં વાંચ્યુ હશે કે રાજા-મહારાજઓ શિકારના શોખીન હતા. મ્યુઝિયમ માં શિકાર સાથે ઉભેલા રાજાની રંગીન તસ્વીરો જોવા મળે છે. નિર્દોષ પ્રાણીઓના જીવ લઈને ગર્વ લેવો એ એ જમાનાનો દસ્તુર હતો.રાજવંશી હોય એટલે આવા શોખ હોવા એ જાણે મોભો ગણાતો. પણ મહેસાણાના સુદાસણાના રાજકુમારી હેમાંગીની બહેને તો જુદો જ ચીલો ચાતર્યો. એમણે ભગવાન મહાવીરે ચિંધેલા અહિંસાના મંત્રને જાણે આત્મસાત કર્યો અને બીજા કેટલાયને એમણે કરૂણાના માર્ગે વાળ્યા. એમણે એકલપંડે આરંભેલા જીવદયાના નાનકડા કાર્યને જોઈને માતા પિતાનો હદય પલટો થયો રાજવંશી પરિવારે માંસાહારને તિલાંજલી આપી અને પુત્રીના કાર્યને વેગ આપવા સહાયરૂપ થયા. ધીરે ધીરે રાજકુમારીના સતકાર્યોની સુવાસ ફેલાઈ અને જૈન શ્રેષ્ઠીઓએ એમના કાર્યને ઉપાડી લીધુ.
રાજકુમારી હેમાંગી બહેને ઉદેપુરની કોલેજ માંથી એમ.એ.કોલેજ નો અભ્યાસ પૂર્ણ કર્યો છે.એમણે ભૂખ તરસથી પીડાતા ઘોડાને રસ્તાની બાજુએ પડેલો જોયો.તેના શરીરે ચાંદા હતા આ દ્રશ્ય જોઈને તેમનુ હૈયુ ભરાઈ આવ્યુ.માદા ઘોડાને લાવીને સારવાર શરૂ કરી.થોડા દિવસ માં સાજો થઈ ગયો.બસ આ સફળતાથી પ્રેરાઈને કરૂણાના દેવી રાજકુમારી હેમાંગીબહેને ઘર આંગણે માંદા જીવોની સેવા શરૂ કરી દીધી.એમણે લગ્નનો પ્રસ્તાવ પાછો ઠેલી ગામની પાદરે આવેલા પોતાના ફાર્મ માં કુટીર બાંધીને ને વન્યજીવો સાથે એકલા રહેવા લાગ્યા.
શરીરે ચાંદા પડેલો ગધેડો,અપંગ ગાય,કાનમા કીડા પડેલો ઉંટ,કાનમાં કીડાઓથી ખદબદતો કૂતરો,ડાયાબિટિસથી પીડાતો કૂતરો,એક પગ તુટેલો પોપટ ,પાંખ કપાઈ ગયેલુ કબુતર,બીમાર સસલા જેવા અનેક પશુ-પંખીને પોતાના ફાર્મ પર લાવીને ઘા સાફ કરે સારવાર કરે જરૂર પડે ત્યારે ડોક્ટરને બોલાવે.
તેમની આ જીવદયાવૃત્તિથી પ્રભાવિત થયેલા તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ તેમને રાજ્યકક્ષાનો એવોર્ડ પણ અર્પણ કર્યો હતો. રાજકુમારી હેમાંગીનીદેવીએ જીવદયાને આત્મસાત કરી લગ્નનો પ્રસ્તાવ ફગાવી કરૂણાની લગની લગાવી નવા સુદાસણામાં રાજવી પરિવારે ભેટ આપેલી જમીન ઉપર ભગવાન મહાવીર આશીર્વાદ જીવદયા તીર્થની સ્થાપના કરી હતી જેને આપણે દેશી ભાષામાં પાંજરાપોળ તરીકે ઓળખીએ છીએ. ગુજરાતી લેકસિકોન નામની વેબસાઈટ પાંજરાપોળનો અર્થ સમજાવતા કહે છે કે જ્યાં માંદા અને નિરાધાર પશુઓ અને પક્ષીઓને આશ્રય આપવામાં આવે છે તેવું ધર્માદા સ્થાન. આવા ધર્માદાસ્થાનની સ્થાપના કરી અબોલ જીવોને જીવાડવા જીવદયાની ધુણી ઘખાવીને બેઠેલા રાજકુમારી હેમાંગીનીદેવી જ્યારે ઉદેપુરમાં કોલેજનું શિક્ષણ લઈ રહ્યા હતા ત્યારે અપંગ પ્રાણીઓને તેમના માલિકો દ્વારા તરછોડાતા જોઈને હૈયામાં એક વેદના ઉત્પન્ન થઈ. જગતમાં માણસ બિમાર પડે તો તેના માટે માણસો દોડતા હોય છે. જ્યારે પશુઓ બિમાર પડે ત્યારે તેની દરકાર કરવા ઘણા ઓછા હોય છે. વિશ્વ જ્યારે વિકલાંગો માટે પ્રયત્ન કરે છે ત્યારે વિકલાંગ પશુઓનું શું ? પશુઓ અને પક્ષીઓની મૌન વેદનાને સમજીને તેની દેખભાળ કરવી એ સેવાનું મોટુ કામ છે.
રાજકુમારીના આવા ઉમદા કાર્યની વાત વડગામ તાલુકાના કોદરામ વાસી શેઠ છનાલાલ નહાલચંદના કાને પડી. એમણે પોતાના પુત્રો હસમુખભાઈ અને કિર્તિભાઈને મોકલ્યા. સતકાર્ય જાતે નિહાળીને પિતાશ્રીને ખબર આપ્યા, જેમાંથી ભગવાન મહાવીર આશીવાર્દ જીવદયા તીર્થ સુદાસણાનો ઉદય થયો. ઉદારદિલ શેઠ છનાલાલે પોતાના તરફથી સહાયનો આરંભ કર્યો, પછી તો અન્યોનો સહયોગ મળ્યો. કામ તો ઘણુ મોટુ હતુ. પશુધન માટે રહેઠાણો બંધાયા. જરૂરી સગવડો ઉભી થઈ. મેનકા ગાંધી એ રાજકુમારી હેમાંગી બહેનને “પીપલ ફોર એનિમલ” સંસ્થાનું સભ્યપદ આપ્યુ.
આરંભમાં હેમાંગિની બહેને જાતે બનાવેલા પેઇન્ટિગ વેચીને મળતી આવક માંથી ખર્ચ કાઢતા,પણ પછી તો કાર્યનો વ્યાપ અનેક ગણો વધી ગયો.પુત્રીની પ્રવ્રુતિથી પ્રેરાઈને પિતા કિર્તિકુમાર સિંહજી નો રાહ પલટાઈ ગયો હતો.એમણે પશુ-પક્ષીના આશ્રય માટે ૧૦ એકર ભૂમિ દાનમાં આપી. ખરેખર એ તો ક્ષત્રિયકુળના શિકાર અને માંસાહાર રોજનુ સહજ કાર્ય હતુ. એમણે ૩૨ વાઘનો શિકાર કર્યો હતો. આ રાજવીએ બંદુક ને ખીંટીએ ટીંગાડી દીધી અને માંસાહારનોત્યાગ કર્યો.રાણી સાહેબ લક્ષ્મીકુમારીજીએ પૂર્ણ સહકાર આપ્યો.
એક આખા રાજપરિવારના અનન્ય કાર્યોમા અહિંસાપ્રેમી જૈનોનો સહયોગ ભળ્યો. તેમાંથી ભગવાન મહાવીર આશીર્વાદ જીવદયા તીર્થ વિકસ્યુ, જેનુ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલન કરે છે. હાલમા ૧૨૦૦થી વધુ અસહાય પાંગળા પશુ-પંખીને આશ્રય અપાયો છે,જેમને સમયસર નીરણ અને ચણ અપાય છે. માનવતા આ કાર્ય આઠ વર્ષથી વણથંભ્યુ ચાલે છે.રોજનો અંદાજીત ખર્ચ રૂ. ૧૮ હજાર જેટલો થાય છે.અનામત ભંડોળ જેવુ કંશુ નથી,પણ આ તો ઉપરવાળાનું કાર્ય છે.એણે ચીંધ્યું એટલે ચિંતા એણે કરવાની !
2014ની 23 માર્ચે અકળ બિમારીથી ૩૯ વર્ષિય રાજકુમારી હેમાંગીનીકુમારીનું લાંબી માંદગી બાદ અમદાવાદની એપોલો હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થતાં નાના એવા સુદાસણામાં શોકનું મોજું ફરી હતુ. તેમનું નિધન થતાં મૂંગાં પશુ-પંખી પણ રડી પડયાં હતાં. તેમના નિધનથી સમગ્ર સુદાસણા સહિત ગઢવાડા પંથકમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતુ. તેમની સરસ્વતીના પાવન તટે આવેલા મોકેશ્વર ખાતે શાહી રિવાજ મુજબ અગ્નિ સંસ્કાર કરાતાં આસપાસના ગામોમાંથી અસંખ્ય લોકો રાજકુમારીના પાર્થિવદેહને શ્રદ્ધાંજલિ આપવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તેઓ જાતબાળીને જીવ્યા, નિર્દેહે સુગંધ બની ગયા. એ સુગંધ જીવંત રાખવાનો નિર્ણય ટ્રસ્ટી મંડળ તથા રાજવી પરિવારે લીધો.
ભારતીય સંસ્કૃતિમાં જીવદયાનું અનેરુ મહત્વ હોવાથી કતલખાના એ ભારતીય પુષ્ટભૂમિની પરિસ્થિતિમાં બંધબેસતા ન હોવાથી ગૌશાળાઓ અને પાંજરાપોળો એવી મહત્વપુર્ણ વ્યવસ્થા છે કે જે રખડતા ગૌવંશ અને અન્ય પશુઓને ખૂબ સારી રીતે સાચવતી હોય છે, માવજત કરતી હોય છે. સમાજ અને સરકારે મળી પ્રત્યેક ગામ દીઠ કે તાલુકાદીઠ ગૌશાળાઓ અને પાંજરાપોળોની વ્યવસ્થા અનિવાર્યપણે ગોઠવવી જોઈએ.
રાજ્યની રજીસ્ટર્ડ અંદાજે 286 જેટલી પાંજરાપોળો પાસે અંદાજે બે લાખ જેટલા મુંગા ઢોર છે. તેમની જાળવણી કરવાની કપરી અને કરુણામયી કામગીરી આ પાંજરાપોળો કરી રહી છે. મોટાભાગની પાંજરાપોળો 100 થી 150 વર્ષ જુની છે. એક રીતે આ બધા રાજ્યના જીવદયા તીર્થો ગણાય.
વર્તમાન પાંજરાપોળોનો નિભાવ એક પડકાર બની રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર પશુ દીઠ દૈનિક રૂ. 50 થી રૂ. ૧૦૦ ની સબસીડી આપીને તેમને સંજીવની આપે તે અનિવાર્ય છે.આ અંગે જૈનાચાર્યો એ તાજેતરમાં મુખ્યમંત્રીશ્રીને મળીને રજૂઆત પણ કરી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે જો આ પાંજરાપોળો આ પશુઓને સાચવતી ન હોત તો તે બધા મોટાભાગે રસ્તા પર રખડતા હોત આજે પણ આ પ્રકારની પુરતી જાગૃતતા અને વ્યવસ્થા ના અભાવે રખડતા જાનવરોની સમસ્યા દિનપરતિ દિન વધતી જાય છે.
અંતે એટલું કહેવાનું કે સામાન્ય રીતે જીવદયા સાથે સંકળાયેલી પાજરાપોળોનો આર્થિક આધારસ્તંભ સખાવત હોય છે એવા સમયે આપણા પરિવારમાં તથા સ્નેહીમિત્રોમાં ઉજવાતા જન્મદિવસ, વેવિશાળ લગ્નોત્સવને એકાદ પશુનો જીવનોત્સવ બનાવીએ, કર્મ સંયોગે આવેલી માંદગીની અશાતા ટાળવા કોઈ એક પશુને અભયદાન આપી તેને મહાશાતા આપીએ, સ્વજનના મૃત્યુના દુઃખદ પ્રસંગે એકાદ પશુને અભયદાન આપી અનંત આશીર્વાદના સહભાગી બનીએ. દિવાળી, પર્યુષણ તથા ઉતરાયણ જેવા પવિત્ર પર્વના ધર્મોત્સવમાં અનેક જીવોને પણ પોષણ બક્ષી પર્વોપાસનાને દયાના રંગથી મઢી દઈએ. તો કેવું?