પાલનપુર તાલુકાના નાનકડા એવા ફતેપુર ગામમાં છેલ્લા 40 વર્ષ ની જેમ આ વર્ષે એટલે કે વર્ષ 2021માં પણ ગામલોકોએ ગ્રામ પંચાયતને સમરસ ગ્રામપંચાયત બનાવી 45મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. ગામ લોકોનો સમય, શક્તિ અને સંપત્તિ ગામના વિકાસ કાર્યોમાં વપરાઈ રહી છે એનું ઉત્તમ ઉદાહરણ ગામ ઝાંપાની સ્વચ્છતા, ધાર્મિક સ્થળો, દૂધમંડળી, પ્રાથમિક શાળા , ATM ની સુવિધા તેમજ દર વર્ષે સામુહિક રીતે ઉજવાતા ધાર્મિક અને સામાજિક ઉત્સવો ઉપરથી સહેજે આપણને ખ્યાલ આવી જાય કે ગામ વિકાસની કેડી ઉપર ડગ માંડી રહ્યું છે. અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ઘમઘમાટ ચાલી રહ્યો છે ત્યારે ગ્રામપંચાયતની ચૂંટણીઓમાં કેવા બરબાદીના વરવા ખેલ ખેલાતા હોય છે એનાથી કોઈ અજાણ નથી. જ્ઞાતિ-જાતિના સમિકરણો ગામમાં વેરઝેરનુ નિર્માણ કરતાં હોય છે. ગામ જાણે અખાડો હોય એમ ગામેગામ કુસ્તી ના દાવપેજ અજમાવવામાં આવતા હોય છે અને ચાર દિન કી ચાંદની જેવા ચૂંટણીઓના નશામાં ગામનું કેટલું અહીત થઈ ચૂક્યું છે એનું ભાન ગામને પાંચ વર્ષ પજવ્યા કરતું હોય છે અને આ હારમાળા વર્ષોવર્ષ ચાલતી રહેતી હોવાથી ગામ ગધેડે ચડ્યું જેવો ઘાટ ઘડાતો હોય છે. પાલનપુર તાલુકાના ફતેપુર, મેરવાડા જેવા ગામોએ ગ્રામ પંચાયતોને સમરસ બનાવી ડહાપણનું કામ કર્યું છે જેના સકારાત્મક પરિણામો આવા ગામોને લાંબાગાળે ચોક્કસ જોવા મળશે એમાં શંકાને કોઈ સ્થાન નથી.
કુલ 1500 માણસની વસતીવાળા ફતેપુર ગામના પૂર્વ સરપંચની મુદ્દત પુરી થવા આવે એટલે એ સરપંચ ગામને ચા -પાણી માટે ભેળું કરે અને જણાવે કે મારી સરપંચ તરીકેની મુદ્ત પૂર્ણ થઈ છે માટે ગામ આગામી સરપંચ માટે નિર્ણય કરે એટલે ગામલોકો ભેળા મળી સર્વાનુમતે નવા સરપંચની પસંદગી કરે. ગામમાં ઠાકોર અને રાજપૂત સમાજની બહુમતી એટલે વારાફરથી આ સમાજ માથી સરપંચની પસંદગી કરવામાં આવે અન્ય સમાજો માથી પણ ગ્રામપંચાયતના સભ્યોની બિનહરીફ વરણી કરવામાં આવે આવી એક સિસ્ટમ જ બનાવી દેવામાં આવી છે જેથી ગામમાં કોઈ મનભેદ કે મતભેદ ઊભો જ ન થાય. ગ્રામ પંચાયત ના સભ્ય માટે જે તે જ્ઞાતિના લોકો પોતાના મહોલ્લા પ્રમાણે એક વ્યક્તિને પસંદ કરી ગામને નામ જણાવે આમ સર્વાનુમતે સરપંચ અને સભ્યોની પસંદગી કરી એની સમરસ યાદી ચૂંટણી વિભાગને આપી દેવામાં આવે એટલે ચૂંટણીના નામે ખેલાતા વરવા દ્રશ્યો અને અનુભવો ગામને વેઠવાના ન આવે પણ ગામને નવી ઊંચાઈ લઈ જવા માટે આગામી પાંચ વર્ષ સુધી ગામ એકમતે મથતું રહે.
ફતેપુરમા ગામમાં લગ્ન પ્રસંગ હોય કે મોતનો પ્રસંગ હોય હરેકને ત્યાં ગામના દરેક લોકોએ સમયસર જવાનુ જ. તથા ગામના કોઇ જમણવારમાં ગામના અઘગણા લેવામા આવતા નથી પરંતુ અવસર વાળો માણસ પછી એની અનુકુળતા એ રાવણુ રાખે એ સમયે ફરી બધા મળી અધગણા કરવામા આવે છે. તથા આ રાવણામા અફણ-કહુંબા થતા નથી. ફક્ત ચા નાસ્તો જ હોય છે.
ફતેપુર ગામ સમરસ થતાં હવે ગામલોકો ગ્રામપંચાયત સાથે મળીને ગામમાં CCTV કેમેરા, ગામના લોકોને પીવાનું શુધ્ધ પાણી મળી રહે તે હેતુ મિનરલ વોટર પ્લાન્ટ, ગામમાં આધુનિક લાઈબ્રેરી વગેરે નવીન સુવિધાઓ ઊભી કરવા કટીબદ્ધ થયા છે. કોઈ પણ ગામ સમરસ થાય તો ગામની વસ્તીના પ્રમાણમાં પાંચ લાખથી તેર લાખ સુધીની વધારાની ગ્રાન્ટ સરકારશ્રી તરફથી ગ્રામવિકાસ હેતુ પ્રોત્સાહન સ્વરૂપે આપવામાં આવે છે જે અંતર્ગત ફતેપુર ગામને રૂ. આઠ લાખની વિશેષ ગ્રાન્ટ પણ મળવાપાત્ર થશે. ચૂંટણીઓની જગ્યાએ ગામ સમરસ થતાં ગામના લોકોની શક્તિ કાવાદાવાની જગ્યાએ વિકાસકાર્યોમાં લાગશે.
નાના એવા ફતેપુર ગામમાંથી 35 જેટલા યુવાનો ભારતીય આર્મી અને પોલિસ વિભાગમાં ફરજ બજાવી રહ્યા છે તો 45 જેટલા લોકો આર્મી અને પોલિસ વિભાગમાથી વયનીવૃત થયેલા છે.
ફતેપુર ગામને સ્વચ્છ ગામનો એવોર્ડ પણ અગાઉ મળી ચૂક્યો છે ઉપરાંત વાસ્મો દ્વારા પણ એવોર્ડ અપાયેલો છે. આજે જ્યારે છાશવારે યોજાતી ચૂંટણીઓને નામે ગામની શક્તિઓ એક એવા ક્ષેત્રમાં રોકાઈ રહી છે કે એનો સદુપયોગ નથી થઈ શકતો ત્યારે સમરસ ચૂંટણીઓ થકી આ શક્તિઓનો ગામના વિકાસ હેતુ ખિલવણી કરી શકાય છે એ ફતેપુર જેવા ગામડાઓએ સમરસ બની સિદ્ધ કરી બતાવ્યું છે.
ફતેપુર ગામમાં સત્યનારાયણપુરી મહારાજ, યુવા અગ્રણી શ્રી ભીખુસિંહ , ફતેપુર સોમેશ્વર મહાદેવ મંદિરમાં પુજારી તરીકે છેલ્લા આઠ વર્ષથી પોતાની ફરજ બજાવતા અમારા વડગામ ગામના સેવાભાવી વ્યક્તિ એવા શ્રી દિનેશભાઈ રાવલ (તપોધન), ગ્રામ પંચાયતના નવ નિયુક્ત સરપંચ શ્રી, ગ્રામ પંચાયતના નવનિયુક્ત સભ્યશ્રીઓ તેમજ ગ્રામજનોને મળી ગામની વિકાસગાથા જાણી વિશેષ આનંદ અનુભવ્યો.
આપણે એ વિચારવું રહ્યું કે કાવાદાવા થી યોજાતી ચૂંટણીઓ થકી છેલ્લા વર્ષોમાં આપણા ગામમાં પાયાની સગવડો અને પ્રકૃતિની જાળવણીનુ કેટલું કામ થયું છે?. પ્રજા જેવું ઈચ્છે અને કરી બતાવે તેવું એને આવી મળે છે. ચૂટણીરૂપી ઉધારનો ઉજાસ પૂરો થયા પછી તો અંધકાર જ છે એ સત્ય ગ્રામપંચાયતની ચૂંટણીઓમાં પ્રજાને જેટલું વહેલું સમજાય એટલું ગામના હિતમાં છે. વિકાસના કામો કેવળ બાંધકામ જ નથી લોક દ્રષ્ટિનું પરિવર્તન તેમજ તેમને યોગ્ય રસ્તે દોરવા એ પણ વિકાસનું પાયાનું કાર્ય છે અને સમરસ ગ્રામ પંચાયતો આ કાર્ય સારી રીતે કરી શકે છે. ગામડાંની ભેગા મળીને જીવવાની સંસ્કૃતિમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓએ જ્ઞાતિવાદને વધુ વકરાવ્યો છે. ધારાસભા કે લોકસભાની ચૂંટણી કરતાં ગ્રામપંચાયતોની ચૂંટણીઓ ગામમાં વધુ વિખવાદ પેદા કરે છે.
સમસ્ત ફતેપુર ગ્રામજનો ગામને 45 વર્ષથી સમરસ કરવા બદલ અભિનંદન સહ હાર્દિક શુભેચ્છાઓ….!!
– નિતીન એલ. પટેલ (વડગામ )