મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલ બાસણા ગામે અમરપુરી મહારાજ ઉપર ગામની શ્રદ્ધા અને માર્ગદર્શનથી ગામે સારી પ્રગતિ કરેલ છે, જેઓએ આજથી આશરે 400 વર્ષ પૂર્વે જીવંત સમાધિ લીધેલ હતી.
સુજલામ સુફલામ્ તથા ધરોઈ કેનાલના કારણે ભૂગર્ભ જળના લેવલમાં સારો એવો સુધારો થયેલ છે. થોડાક વર્ષો અગાઉ આ ગામના જળસ્તર નીચે જવાથી ફેઇલ ગયેલ બોરને રિચાર્જ બોરમાં કન્વર્ટ કરેલ છે, ઉપરાંત આ ગામમાં કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પરિસરને અડીને મંદિરની શોભામાં અભિવૃદ્ધિ કરતું તેમજ ગામના ભૂગર્ભ જળને સમૃદ્ધ બનાવી રાખતું 500 વર્ષ જુનું વિશાળ તળાવ છે, જેમા બારેય મહિના પાણીથી છલોછલ રહે છે. ક્યારેક તળાવમાં ઓછા વરસાદને કારણે પાણીની પૂર્તિની જરૂરિયાત ઊભી થાય તો આ તળાવથી એક- દોઢ કિમી દૂર ધરોઈની પાઈપલાઈન પસાર થાય છે એ પાઈપલાઈન મારફત આ તળાવમાં પાણી લાવી શકાય એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તળાવની પૂર્વ- પશ્ચિમ દિશાએ રિચાર્જ બોર બનાવવામાં આવ્યા છે. તળાવનું પાણી આ રીચાર્જ બોર મારફત ભૂગર્ભ જળને સજીવન કરે છે. ક્યારેક ચોમાસામાં વધુ વરસાદ પડે અને તળાવ ઓવરફ્લો થાય તો વધારાના પાણી નિકાલ માટે પાઈપલાઈન મારફત નજીક પસાર થતી ખારી નદીમાં આ પાણી છોડી શકાય એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ગામમાં અન્ય જગ્યાએ પણ જ્યાં વરસાદી પાણીનો આવરો છે અને ભરાવો છે એવી જગ્યાએ પણ રિચાર્જ બોર બનાવવામાં આવ્યા છે, જેથી વરસાદી પાણી સરળતાથી ભૂગર્ભમાં ઉતરી ભૂગર્ભ જળને રિચાર્જ કરી શકે.
બાસણા અને દેલા ગામ વચ્ચે નર્મદા નદીના પાણીની કાચી કેનાલ પસાર થાય છે જેના કિનારે ડિઝલ એન્જિન મુકી આજુબાજુના ગામના ખેડૂતો પોતાના ખેતરમા વાવેલ વિવિધ પાકોની સિંચાઈ કરે છે. નહેર થી પોત પોતાના ખેતર સુધી પાઈપલાઈન લઈ જતી વખતે વચ્ચે આવતા ખેતરોના ખેડૂતો પોતાના ખેતરમાંથી પાઈપલાઈન લઈ જવા દે છે એટલે કે ખેડૂત વર્ગ એકબીજાને સહકાર આપી નહેરના પાણીનો ખેતપાકો માટે ઉપયોગ કરે છે. નહેરમાં વહેતા પાણી , તળાવ, રિચાર્જ બોર , ધરોઈ પાઈપલાઈન વગેરે વ્યવસ્થાઓને લીધે આ વિસ્તારમાં ભૂગર્ભ જળના સ્તર ઉપર આવ્યા છે. બંધ થયેલા કુવા ચાલુ થયા છે. ભૂગર્ભ માંથી પંદર વિસ હાથ પાણી ઉપલબ્ધ છે. જરૂરી વ્યવસ્થા ઊભી કરવાને પરિણામે પાણીની છતને લીધે ખેતપાકો મોટા પ્રમાણમાં વવાય છે અને સમૃદ્ધ ખેતી આ વિસ્તારમાં થાય છે.
યોગ્ય વોટર મેનેજમેન્ટ થકી ભૂગર્ભ જળને સાચવી શકાય છે એટલુ જ નહી વર્ષોવર્ષ ના ટ્યુબવેલ અને લાઈટબીલના તોતીંગ ખર્ચા થી બચી ખેતીને પોષક બનાવી શકાય છે.