ગુજરાતના ખૂણે ખૂણેથી રસ એકઠો કરીને બનેલો મધપૂડો
[વઢિયારની સૂકી ધરાનું સાહિત્ય ઉજાગર કરનાર મિત્ર શ્રી શૈલેષભાઇ પંચાલ સાથે અમે પણ અતુલ્ય વારસો સંસ્થા દ્વારા જાહેર કરવામા આવેલ Identity Award -20200 કાર્યક્રમમાં ગુજરાતભરામાંથી આવેલ મિત્રો સાથે તા. ૨૫.૧૨.૨૦૨૨ના રોજ ગાંધીનગર મુકામે ઉપસ્થિત હતા. મારે અત્તુલ્ય વારસોના સંસ્થાપક શ્રી કપિલભાઇ ઠાકર અને તેમની સમગ્ર ટીમ દ્વારા જે ઐતિહાસિક અને અવિસ્મરણિય આયોજન થયુ હતુ એ વિશે આ બ્લોગ ઉપર લખવુ હતુ દરમિયાન મને સાહિત્ય જગતનું ગૌરવ ગણી શકાય એવા મિત્ર શ્રી શૈલેષભાઇ પંચાલ દ્વારા આ વિષય ને લઇને લખવામા આવેલ લેખ વાંચવા મળ્યો…લેખ એટલો ગમી ગયો કે શ્રી શૈલેષભાઇની અનુમૂતિ સાથે શબ્દસ: અત્રે આભાર સહ પ્રસ્તુત કરુ છુ જે આપને પણ વાંચવો ગમશે. :- નિતિન ]
એવોર્ડ ઉર્જા આપવાનું કામ કરે છે ને ગરિમાનો સ્પર્શ પણ કરાવે છે. ઘણી જગ્યાએ એવોર્ડ ફંકશન થતાં રહે છે પણ, અતુલ્ય વારસોની ટીમે એક નોખો ચીલો પાડ્યો છે. એમણે બહુ નામધારી લોકોને બાજુએ રાખીને, સમાજના છેવાડાના વિસ્તારોમાં રહીને સાચા અર્થમાં આપણા સાંસ્કૃતિક વારસાની જાળવણી કરતાં અલગ અલગ ક્ષેત્રના કુલ ૮૬ વ્યક્તિઓને પસંદ કર્યા ને એમનું સન્માન કર્યુ.આવો વિચાર જેને આવ્યો એમનું નામ છે અતુલ્ય વારસો ટીમનાં ઓનર શ્રી કપિલ ઠાકર. પોતે યુવાન છે. અનુભવી છે. સમાજજીવનનાં પાસાઓથી માહિતગાર છે ને ખાસ તો દેશની રાજ્યની ધરોહર સચવાય એ માટે કટિબધ્ધ છે. એમની સૂઝબૂઝ અને પારખું નજર તેમજ સિલેકશન કમિટીએ એ માટે ગુજરાત રાજ્યના ખૂણે ખૂણે નજર દોડાવી. મારા જેવા રણકાંઠાના રાફુ ગામમાં બેસીને ગામડાની વાતો કરતાં યુવાનથી લઈને ગાંધીનગરના જેવા પાટનગરમાં વિષ્ણુસિંહ ચાવડા હોય કે વાગડમાં પ્રિય મિત્ર મહાદેવ બારડ હોય કે પર્યાવરણ ક્ષેત્રે જાગૃતિ લાવવાનું કામ કરતાં નીતિનભાઈ પટેલ હોય, ખારાગોઢામાં અગરિયાઓ માટે કામ કરતાં શ્રી અંબુભાઈ પટેલ હોય કે બોટાદમાં બેસીને શિક્ષણ અને સાહિત્યની સુગંધ ફેલાવતા પાર્થ ખાચર હોય…એમણે એવા એવા લોકોને પસંદ કર્યા જેઓ કોઈ આર્થિક ઉપાર્જન માટે નહિ પણ, પોતાનાં પ્રદેશની અસ્મિતા ઉજાગર કરવા અથવા તો જેમને માતૃભૂમિ પ્રત્યેની લાગણી પ્રેરતી હોય, એ સિવાય જેઓ વિસરાતી વિરાસત જાળવી રાખવાની કોશિશ કરતાં હોય. એ અર્થમાં આ એવોર્ડ વિશિષ્ઠ હતો. અહીં સન્માન પામનાર દરેક માણસ પોતાની ઓળખ પણ પામ્યો હતો.
આજે રવિવાર હતો. વહેલી સવારે હું અમદાવાદથી નિકળી ગાંધીનગર પહોચી ગયો છું. પથિકાશ્રમ.. બસ સ્ટેન્ડનું નામ એટલું રળિયામણું લાગે છે કે ના પૂછો વાત. કોણે પાડ્યું હશે આવું સુંદર નામ? બસ સ્ટેન્ડથી બહાર નીકળી એક રિક્ષાવાળાને પૂછ્યું ‘ આઈ આઈ ટી જવું છે’ પેલો કહે સાઈઠ રૃપિયા. હું ચાલતો થયો. ગુગલ મેપ શરુ કર્યું. આમ તો સવાર સવારમાં પાટનગરના હરિયાળા રસ્તાઓ પર ચાલવાની મજા આવતી હતી પણ, કાર્યક્રમમાં મોડું ન થાય એટલે ઘ – ૪ સુધી રિક્ષામાં ગયો. ત્યાંથી બે કિલોમીટર ચાલી નાખ્યું. હજૂ તો થોડા સમય પહેલા જ અહી કુણાલ ગઢવીનાં પુસ્તક વિમોચનમાં આવેલો એટલે અંદર અજાણ્યું ન લાગ્યું. પ્રવેશદ્વારમાં જ શ્રી કપિલભાઈ મળી ગયા. જેમણે ખૂણે ખૂણેથી અમને સૌને બોલાવ્યા હતા એમને પ્રથમવાર રૂબરૂ મળી રહ્યો હતો. ખૂબ જ આનંદ થયો. જ્યોતિબેન આચાર્ય અને ભાઈ આરવને આવવાની વાર હતી એટલે ત્યાં આવેલ સૌ મહેમાનોને મળતો ગયો.
દીવથી આવેલ ઉકાબાપા મળી ગયા. વાંચે ગુજરાત અભિયાનનાં બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા હોય તો એમને બનાવી શકાય એટલું અઢળક ને અગાધ વાંચન. પોતે ખેડૂત. ખેતી કરે પણ, આંબાવડ ખાતે એમનાં ઘરની મુલાકાત લો તો ખૂણે ખૂણેથી તમને પુસ્તકો મળી આવે. એમણે ગુજરાતી સાહિત્યના લગભગ પુસ્તકો વાંચ્યા છે અને એટલી જ એમની યાદદાસ્ત પણ છે. કવિ ગુમનામ અને બહેન સગુણાને યાદ કર્યા. એમની સાથે રહેલ શ્રી માનસંગભાઈ બાભણિયા તેમજ એમનાં ધર્મપત્ની. આ યુગલ દીવ પાસે આવેલ નાગવા ગામના સેવાધારી કપલ તરીકે ઓળખાય છે ને આજે એવોર્ડ પણ એમને સંયુક્ત જ મળ્યો હતો.
અમારા છોટે મેઘાણી શ્રી વિષ્ણુસિંહ ચાવડા મળ્યા. એવી જ રીતે વાગડનાં પથ્થરો વચ્ચે જઈને મેઘાણી જેવું કામ કરનાર પ્રિય મિત્ર મહાદેવ બારડ મળી ગયા. સરસ્વતી નદીના સ્થાનો પર કામ કરતાં શ્રી નીતિનભાઈ પટેલ સાથે સરસ મજાની વાતો થઈ. શ્રી પાર્થ ખાચર અને મનીષભાઈ પટેલ આવ્યા. શ્રી તરુણ શુક્લ મળી ગયા. રણમાં અગરિયાઓ માટે જીવન ખપાવી દેનાર સેવાના ભેખધારી શ્રી અંબુભાઈ પટેલને પ્રથમવાર રૂબરૂ મળી આનંદ આનંદ છવાઈ ગયો. બધા મહેમાનો આવતા ગયા.
હોલમાં કાર્યક્ર્મ શરૂ થયો. અલગ અલગ જિલ્લા મુજબ એવોર્ડ એનાયત અને વચ્ચે વચ્ચે મંચસ્થ મહાનુભાવોનાં પ્રવચનો એ રીતે સમગ્ર ઉપક્રમ ચાલ્યો. પૂર્વ મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલના સુપુત્રી, સમાજસેવિકા શ્રી અનાર પટેલ આજના કાર્યક્રમનાં અધ્યક્ષ હતા. શ્રી કિશોરભાઈ મકવાણા, ડૉ. જયેન્દ્રસિંહ જાદવ સાહેબ, શ્રી પૂંજાભાઈ વાળા જેવા માનવંતા મહેમાનો થકી સ્ટેજ શોભી રહ્યો હતો. દરેક કર્મવીરનું સન્માન થતું ગયુ.
શ્રી કપિલભાઈ ઠાકરે બહુ સરસ વાત કરી હતી કે તમે સૌ સન્માનને લાયક તો છો જ પણ, આ સન્માન એ શરૂઆત છે. આપણી વિરાસતને જાળવવા જેઓ સતત કટીબધ્ધ રહે છે એવા લોકો પોતે જ એક સન્માન છે. તેઓ એવોર્ડ માટે કશું કરતાં જ નથી. એક વિચાર જે સમજમાં ને રાજ્યમાં અસંખ્ય લોકો સુધી પહોંચે કે આપણે આપણાં વારસાને જાળવીએ, એનું જતન કરીએ. એના માટે અમે આજથી એક નવો ઉપક્રમ શરુ કરી રહ્યા છીએ.જેનું નામ છે વાત વતનની. તમારા વતનમાં આવો વારસો હોય તો એની જાળવણી થાય. શ્રી કિશોરભાઈ મકવાણા સાહેબે આપણા સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસા વિશે સુંદર વાતો કરી હતી. શ્રી પૂંજાબાપુ વાળાએ હળવા કટાક્ષ અને મીઠડી રજૂઆત કરી હતી.
સૌથી શાનદાર વક્તવ્ય અકાદમીના મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ સાહેબનું રહ્યુ હતુ. એમણે એક પ્રસંગ ટાંકીને આ પ્રસંગના સંદર્ભમાં વાત કરી હતી. એક નદીમાં પૂર આવ્યુ. એમાં તબલાની જોડ તણાઈ રહી હતી. કલાનાં કોઈ પ્રેમી યુવાનો હશે. એમણે આ દ્ર્શ્ય જોયું ને પાણીમાં ઝંપલાવ્યું. તબલાંની જોડ લેવા માટે. તબલાંની જોડ તો બહાર આવી પણ, જોડે રામનાથ બાપુ પણ નીકળ્યા. બહાર લાવીને બાપુને પૂછ્યું. કેમ કરતા તણાયા? જવાબમાં બાપુએ જે વાક્ય કહ્યુ એ દરેકે ગાંઠે બાંધી રાખવા જેવું છે કે કેમ તણાયો એ મહત્વનું નથી પણ, એક સત્ય સમજાઈ ગયું કે જીવનમાં એક પણ કલા તમારી પાસે હોય તો તમને જીવાડી દે. અહીં ઉપસ્થિત દરેક કર્મવીરો એ કલાને લઈને જીવે છે. આમાં આર્થિક ઉપાર્જન જેવું ખાસ હોતું નથી આમ છતાં, સૌ એ કલાને વળગી રહ્યા છો. છેલ્લે, એમણે અટલ બિહારી વાજપેયીની સ્મૃતિમાં તું દીપ જલાયે જા કવિતાથી સુંદર સમાપન કર્યુ હતું. અધ્યક્ષ પ્રવચન કરતાં શ્રી અનારબેન પટેલે અસરકારક રીતે સેવાની સુગંધને શબ્દોમાં વણી લીધી હતી.
કચ્છી લોકગીતોની પ્રસ્તુતિ અને આપણા જાણીતાં એંકર શ્રી પાર્થ ખાચરની નાનકડી પણ ઓડિયન્સને સ્તબ્ધ કરી દેતી સ્પીચ થકી કાર્યક્રમમાં એક નવી તાજગી પ્રગટી હતી. પ્રિય મિત્ર આરવ આચાર્ય રવિવાર હોય એટલે લગભગ કાર્યક્રમમાં સાથે આવે છે ને એને લીધે એક બહુ મોટો આધાર મળી જાય છે. આ એવોર્ડ મળ્યો એ માટે જેમણે મને રાફુથી ગાંધીનગર સુધીની છેલ્લા બે વર્ષથી સાહિત્યની સફર કરાવી એ શ્રી જ્યોતિબેન આચાર્ય પગે પાટો હોવા છતાં અહી આવ્યા એ બદલ એમનો પણ આભાર વ્યક્ત કરું છું.
કાર્યક્રમનું સુંદર સંચાલન શ્રી શિવશંકર જોશી સાહેબે કર્યુ હતું. શ્રી રોનકભાઈ રાણા તેમજ કપિલભાઈની સમગ્ર ટીમ આપણા સાંસ્કૃતિક વારસાની જાળવણી માટે જે પગલાં લઈ રહી છે એની સુગંધ સમાજજીવનમાં ફેલાઈ રહી છે એનો હરખ વ્યક્ત કરું છુ ને ખૂબ ખૂબ આભાર સહ અભિનંદન પાઠવુ છું.
I was suggested this web site by my cousin. I’m not sure whether this post is written by him as no one else know such detailed about my trouble. You are incredible! Thanks!