અરવલ્લીના પહાડોની તળેટીમાં વર્ષો પહેલા પાલનપુરના દિવાન કરીમદાદખાને પોતાના નામ ઉપરથી કરીમાદાદ નામનું નગર વસાવ્યું હતું, જે આજે અપભ્રંશ થઈને કરમાવાદ તરીકે ઓળખાય છે. અરવલ્લીના પહાડો વચ્ચે આવેલી તળેટીમાં વિશાળ જગ્યા છે, જ્યાં એવું કહેવાય છે કે એ કુદરતી તળાવ છે. ભારે વરસાદ વરસે તો પહાડોનું પાણી આ તળાવમાં છલકાય છે, અને શોષાય છે, જેના પરિણામે આજુબાજુના ખેતરોના પાણીના તળ સચવાય છે. અરવલ્લીની રેન્જમાં અહી સૌથી ઉંચો ભાંખરો છે એ ગુરૂ ધૂંધળીમલના નામ ઉપરથી ગુરૂનો ભાંખરો તરીકે ઓળખાય છે. તે લોકોની આસ્થાનું કેન્દ્ર છે. ગુરૂ ધૂંધળીમલ મહારાજ પ્રત્યેની અપાર શ્રધ્ધા થકી ભાવિક ભક્તજનો ગુરૂના દર્શને આવે છે અને માનતાઓ માને છે. કરમાવાદની તળેટીમાં ગુરૂ ભક્તો દ્વારા સિદ્ધનાથ મહાદેવ અને કરમાવાદ આશ્રમમાં બાલસંસ્કાર કેન્દ્ર ચાલે છે. જેમાં સ્થાનિક વનવાસી બાળકો ને કેળવણીના પાઠ શિખવાડવામાં આવે છે.વડગામા તાલુકાના જલોતરા પાસેથી પસાર થતી અરવલ્લી હારમાળાના પર્વતો આધ્યાત્મિક ,રાજકીય, પ્રાકૃતિક ઐતિહાસિક ઘટનાઓના વર્ષોથી સાક્ષી રહ્યા છે.
આજ અરવલ્લીઓની શૃંખલાના સ્થળો પૈકી એક સ્થળ એટલે ગુરૂના માંચડાની મુલાકાત , ગુરૂ મહારાજના ભક્તજનો દ્વારા ચાલતા બાળ સંસ્કાર કેન્દ્રની મુલાકાતસિદ્ધનાથ મહાદેવ દર્શન અને કરમાવાદ આશ્રમની મુલાકાત તેમજ આ જ વિસ્તારની વનવાસીઓ બાળકો એમાં પણ સવિશેષ દીકરીઓની સિદ્ધિઓને બિરદાવવા તેમજ અરવલ્લીની ગીરીકંદરાઓની પ્રાકૃતિક રમણીયતાને માણવા અમે એક દિવસીય અભ્યાસ મુલાકાતનું આયોજન ૨૦૨૪ ના સપ્ટેમ્બર ની પહેલી તારીખે કર્યું.
કાણોદરથી ઉત્તર ગુજરાતના જાણીતા ફોટોગ્રાફર અને પ્રકૃતિ પ્રેમી એહમદભાઈ હાડા સાહેબ તેમજ અરવલ્લીના ઐતિહાસિક સ્થાનકો વિશે જેમની જોડે સવિશેષ માહિતી છે એવા અભ્યાસુ કેળવણીકર શ્રી સંજયભાઈ જોશી સાહેબ સાથે અમે વહેલી સવારે કરમાવાદની ભૂમિમાં પ્રવેશ કર્યો. વરસાદ એક બે દિવસ પહેલા જ વરસ્યો હતો એટલે કરમાવાદના રસ્તાઓ થોડા જખમી થયા હતા એટલે અમારે વાહન જોઈને ચલાવવું જરૂરી હતું. ચિકણી જમીન અને ઉપર પાણી એટલે સાવચેતી જરૂરી.
નિયતિએ સ્થાનિક યુવાન શકરાને અમારી સાથે જોડ્યો જે અમને અમારી આ સમગ્ર મુલાકાત દરમિયાન મદદરૂપ બનવાનો હતો, જેણે તાજેતરમાં જ જિલ્લા તરણ સ્પર્ધમાં વિજયી બનીરાજ્યકક્ષાનીતરણ સ્પર્ધા રમવા જવાનો છે. શકરો અમારી સાથે જાણે વરસોનો પરિચય હોય તેમ નિસ્વાર્થ ભાવે જોડાઈ ગયો.
પ્રાચીન અરવલ્લી પર્વતમાળાઓમાં આવેલ સ્થાનકોની અમારી વિશેષ મુલાકાત વિશે જાણવા ચાલો અમારી સાથે…….
બોડા બાવજીની સમાધિ – ભારતમાતા મંદિર.
શ્રી સંજયભાઈ જોશી સાહેબે બોડા બાવજી સમાધીના અમને દર્શન કરાવી કરમાવાદ મુલાકાતના અમને શ્રીગણેશ કરાવ્યા.વધુ માહિતી આપતા અમને જણાવ્યું કે ગુરુમહારાજના દર્શને અનેક લોકો આવતા હતા. ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે દેશને આઝાદીમળી એના થોડા વરસો પછી અચાનક એક ધોળી દાઢી, વિશાળ કપાળ, જાડા ચશ્માં વાળાએક વૃદ્ધ પુરુષ કરમાવાદ ગામમાં આવે છે. ગુરુ મહારાજ સ્થાનકે ભક્તિ કરે છે.કરમાવાદના લોકો પ્રેમથી તેમને બોડા બાવજી કહેતા. ગામના રાજાકાકા જણાવે છે. તેઓ અંગ્રેજી અને ભાંગ્યું તૂટ્યું હિન્દી બોલતા.” તેઓ ગામ લોકો સાથે હળીમળી ગયા. અને થોડા સમય પછી જીવંત સમાધિ લીધી. કરમાવાદના ગરીબ આદિવાસીભાવિકોએ ભેગા મળી બોડા બાવજીના જીવંત સમાધિ સ્થળે નાનકડું મંદિર બનાવ્યું.લોકવાયકા અનુસાર બોડા બાવજી બીજા કોઈ નહિ પરંતુ સ્વયંમ સુભાષચંદ્ર બોઝ હતા. 1857 ના સ્વાતંત્ર સંગ્રામ પછી તાત્યા ટોપે, નાના સાહેબ પેશ્વા અને બીજાકેટલાય સ્વાતંત્ર સેનાનીઓ આ ગુરુના ભોખરાની ટેકરીઓની બખોલોમાં અંગ્રેજોનાડરથી છુપાયા હતા, ‘ગુરુ ના ભોખરા’ના મુક પથ્થરો તેના સાક્ષી બનીને ઉભા છે.આજે આ સ્થાનકનેભારતમાતાના આ વીર સપૂતની યાદમાં ‘ભારતમાતા મંદિર’ પણ કહેવામાં આવે છે. બોડા બાવજી ગુરુ મહારાજના સ્થાનકેબાર વર્ષ કરતા પણ વધારે સમય રહ્યા, ગુરુ મહારાજની નિત્ય આરતી પૂજા કરી અનેગુરુ મહારાજે આવતા ભક્તજનોની સેવા કરી. જીવનની અંતિમ અવસ્થાએ કરમાવાદગામમાં આવી અત્યારે જ્યાં ‘બોડા બાવજીની સમાધિ’ છે તે સ્થાનકે રહ્યા.
ચમના ભગતનો વાડો:
બોડા બાવજી સમાધિના દર્શન કરી અમે આગળ વધ્યા અને ચમના ભગતના વાડા તરીકે ઓળખાતા વાડામાં પ્રવેશ્યા જ્યાં અમને ત્યાં વર્ષોથી રહેતા સ્થાનિક લોકોનો અમને શ્રી સંજયભાઈ જોશી સાહેબે વિશેષ પરિચય કરાવ્યો. અહેમદભાઈ હાડા સાહેબે ત્યાના સ્થાનિક વનવાસીઓની યાદગીરીરૂપ સામુહિક ફોટોગ્રાફી કરી સૌ આનંદિત થઇ ઉઠ્યા. વાડામાં રહેતા લોકો અને બાળકો અમને માયાળુ લાગ્યા. અભાવો વચ્ચે પણ અહીંના બાળકોએ અભ્યાસ અને સ્પોર્ટ્સમાં સારી એવી પ્રગતિ કરી છે. આ વાડામાં રહેતી એક નાનકડી બાળકી જે હજુ ભણવા ગઈ નથી પણ એણે સો થી પણ વધુ ગીતો આવડે છે. થોડાક ગીતો તેણે અમને ગઈ સંભળાવ્યા તો અમે સૌ એની પ્રતિભાથી પ્રભાવિત થયા. શ્રી સંજયભાઈ એ અમને ચમના ભગતના વાડા વિશે વિશેષ માહીતી આપતા જણાવ્યું કે………. ચમનાજી હરજી વેરાણા ના વડવાઓ મૂળતો રાજસ્થાન સિહોરી જીલ્લાના જાડોલી ગામના. માતરમાતા ( અર્બુદામાતાના)ના આશીર્વાદ લઇ ગાયોભેસો ચારતા ચારતા આખરે જલોતરામાં ઠરીઠામ થયા. બોડા બાવજીની સમાધિની બાજુમાંઅત્યારે જે ‘ચમના ભગતનો વાડો’ કહેવાય છે ત્યાં ભગત બાર વરસ રહ્યા અનેમહારાજની ભક્તિ કરી. સાત બેનો પછી માલાભાઈ નો જન્મ પણ ગુરુ મહારાજનાઆશીર્વાદ થકી થયો. સતવચની ભગતે મૃત્યુને દિવસે સોનજી મહારાજના દર્શનકીધાં, પરોણાને શીરો જમાડયો, જીવનમાં પ્રથમ વાર ફોટા પડાવ્યા અને ગુરુમહારાજનું નામ લેતા લેતા સ્વર્ગે શીધાવ્યા. સરકારમાં વિઘોટી ભરેલો પોતાનોવાડો ભગતે ગુરુ મહારાજનો લોટ કરવા આવતા યાત્રાળુઓને સમર્પિત કર્યો. અત્યારેઆ પવિત્ર જગ્યામાં યાત્રાળુઓ રોકાય છે.
ગુરુ મહારાજના માંચડા
ચમના ભગતના વડાની મુલાકાત બાદ જયારે અમે ગુરુ મહારાજના માંચડા તરફ આગળ વધ્યા તો વાડામાં રહેતા સ્થાનિક બાળકો અમારી સાથે લાગણી સભર અમારા ગાઈડ તરીકે સ્વંયભુ જોડાયા. એમની મદદ અમારા મારે અત્યંત ઉપયોગી બનાવાની હતી તે અમને ક્યાં ખબર હતી ? સાથે વાડામાં રહેતી એક શ્વાન પણ અમારા સાથે કોઈ અગમ્ય કારણોસર જોડાઈ, જે શરૂઆતથી તે અંત સુધી અમારા સાથે સતત રહી અમને આશ્રયચકિત કરતી રહી, જાણે કોઈ ભક્તિભાવ પૂર્વક અમારી મદદ કરતી હોય તેમ. અમારી સાથે ગુરૂ મહારાજ માંચડા તરફ આવી રહેલા બાળકો નો ઉત્સાહ અને આત્મવિશ્વાસ જોવા લાયક હતો. અમને સતત માર્ગ બતાવા તેઓ આગળ ચાલી રહ્યા હતા અને અમારા ઉત્સાહમાં વધારો કરી રહ્યા હતા. ગુરૂ મહારાજના માંચડાનો ભોખરો ગુરૂ મહારાજના ભોખારા જેટલો ઊંચાઈ પર નથી પણ એનો પથરાળ માર્ગ એટલો કઠિન કે આપણને એનું ચઢાણ કરવું જરૂર મુશ્કેલ પડે અને પાછું એ વખતે વરસાદ પહેલાનો અસહ્ય ઉકળાટ વાતાવરણમાં હતો એટલે અમારે સાવચેતીપૂર્વક આગળ વધવાનું હતું. પણ અમારી સાથે આવેલ વનવાસી બાળકો અને શકરો જાણે નિયતિએ અમારી સાથે સહજ મોકલી દિધા હોય તેમ તેઓ સતત અમને આ ભાંખરાનો માર્ગ કેવી રીતે સરળ બને એ પ્રયત્નો કરી રહ્યા હતા તો અમારા સાથે અવેલ શ્વાન પણ જાણે અમારા પહેલા ચઢાણ ચઢી અમને પ્રોત્સાહિત કરી રહી હતી.
આ ભાંખરા ઉપર વ્રુક્ષોની ગીચતા વધુ છે અને પથ્થરો કુદરતી રીતે એવા ગોઠવાયેલા છે કે બહુ સાવચેતી રાખીને યોગ્ય માર્ગે આગળ વધવું પડે નહી તો અસ્ક્માત થવાની શક્યતા પૂરેપુરી રહેલી. બાળકો પોતાની સાથે રોઢવું (નાનકડું દોરડું ) લાવેલા તેઓ લપસણા પથ્થરો ઉપર સડસડાટ ચઢી જાય અને પછી રોઢવાનો એક છેડો પોતાના હાથમાં પકડી એક છેડો અમારા તરફ ફેંકતા કહે કે સાહેબ તમ તમારે દોયડુ પકડીને ઉપર આવી જાઓ અમે લપસવા નહી દઈએ. અમને ડર એ વાતનો હતો કે વરસાદથી ભીના થયેલા આ માટી અને કાંકરીથી મિક્સ પથ્થર ઉપરથી લપસ્યા તો કોઈ કામના નહી પણ ગુરૂ મહારાજે એવો કોઈ અકસ્માત થવા દીધો નહી કારણકે ગુરૂ મહારાજના આશીર્વાદ અમારે સાથે હોય એવું અમને લાગી રહ્યું હતું. અમે આખરે માંચડાના પ્રથમ પડાવે પહોંચ્યા તો ત્યાનું વાતાવરણ જોઈ આનંદિત થઇ ગયા અમારો બધો થાક જાણે ઉતરી ગયો. આજુબાજુનું ધાણધારની ધરતીનું નયનરમ્ય દ્રશ્ય અદ્દભૂત લાગી રહ્યું હતું . અમે સૌએ સમૂહ પ્રાર્થના કરી અને ગ્રુપ ફોટોગ્રાફી કરીત્યાંથી મુખ્ય માંચડા તરફ ચઢાણ શરૂ કર્યું. ભાંખરા ઉપર શાંત વાતાવરણ વચ્ચે સંભળાતો ઝરણાઓનો અને પક્ષીઓનો અવાજ અમને મંત્રમુગ્ધ કરી રહ્યો હતો. આખરે અમે ગુરૂ મહારાજના માંચડા સુધી પહોંચી ગયા. પર્વત ઉપર ૬ થી ૧૦ ફૂટ ઈંટોનો ચણતર કરેલો માંચડો ઐતિહાસિક સ્મારક ની જેમ ઊભો હતો જેના ઉપર જવાના જીર્ણક્ષિણ ઈંટોના બનાવેલા પગથિયા ક્યાંક ક્યાંક નજરે પડતા હતા. આટલે ઊંચે આવી વ્યવસ્થાઓ કરવા કેટલી મેહનત એ સમયના લોકોએ કરી હશે એ તો અમને આ ડુંગર ચઢતા જ ખ્યાલ આવી ગયેલો. આખરે અમે માંચડા ઉપર જાણે કોઈ કિલ્લો જીત્યા હોય એ રીતે ચઢાણ કર્યું અને ખરેખર આ માંચડા ઉપરથી આજુબાજુ વેરાયેલું પ્રકૃતિનું રમણીય રૂપ જોઈ અમને જાણે કોઈ સ્વર્ગમાં આવી ગયા હોય એવી અનુભૂતિ થતી હતી. અમે અહીની યાદોને કેમેરામાં કેદ કરી. એહમદભાઈ હાડા જેવા ફોટોગ્રાફર અમારી સાથે હોય પછી એ યાદોને વર્ષો સુધી માણી શાકાય એવી તસવીરો કેમેરામાં કેદ થવાની હતી. માંચડા ઉપરની જગ્યા ખૂબ સાંક્ડી છે એટલે ખ્યાલ ના રાખો તો સીધા ખાઈમાં ખાબવું પડે.એટલે ખૂબ સભાન અવસ્થામાં માંચડા ઉપર રહેવું પડે. ભાંખરા ઉપર આવેલ માંચડા સુધીનું ચઢાણ જેટલું અઘરું છે તેટલું જ ઉતરાણ નો રસ્તો મુશ્કેલ છે એટલે આવી જગ્યાઓએ ખૂબ સાવચેતીપૂર્વક ચઢાણ ઉતરાણ કરવું જરૂરી છે. અમેં પ્રકૃતિની પરમ ચેતનાનો અનુભવ કરતા કરતા નીચે પ્રયાણ કરી રહ્યા હતા.અદ્દભૂત અને આહલાદક વાતાવરણ વચ્ચે શ્રી સંજયભાઈ જોશી સાહેબ અમને આ ઐતિહાસિક માંચડા વિશે રસપ્રદ માહિતી આપી રહ્યા હતા જે રસપ્રદ ઇતિહાસ આપણને પણ વાંચવો ગમશે.
કરમાવાદગામમાં પ્રવેશ કરતા જ સામસામે પર્વત ઉપર ઉત્તર અને દક્ષિણમાં બે માંચડાઆવેલા છે. આ બે માંચડા ઉપરથી ગુરુનો ભોખરો, કરમાવાદ અને સમગ્ર આજુબાજુ નોવિસ્તાર દેખાય છે. ઈ.સ.1298 પહેલાં રાજા કર્ણદેવ વાઘેલાના સશસ્ત્રસૈનિકો આ માંચડા ઉપર રહી ગુરુ મહારાજે જતા યાત્રાળુઓનું રક્ષણ કરતા. ઈસવીસન 1298 માં અલાઉદ્દીન ખીલજીની સેનાએ આ સ્થાનકનો વિનાશ કર્યો.ઈસ્વીસન 1719 થી 1735 દરમિયાન પાલનપુરના નવાબ કરીમદાદખાને પુનઃ આ સ્થાને કરીમાબાદનગર વસાવ્યું. નવાબના સૈનિકો પણ આ સ્થાનકે રહી ગુરુ મહારાજે જતાયાત્રાળુઓનું અને કરીમાબાદના લોકોનું રક્ષણ કરતા. પાલનપુરના નવાબ બદલાતારહ્યા. કરીમાબાદની સ્થાપનાના દોઢસો પોણા બસ્સો વરસબાદ કરીમાબાદમાં એક હવાલદાર આવ્યો, જેનું નામ મહંમદઘોરી હતું. તેણે કરીમાબાદના લોકોઉપરઆસપાસના ગામડાઓમાં અને યાત્રાળુઓ ઉપર ત્રાસ ગુજારવો શરુ કર્યો. ઘોરીનાત્રાસથી પીડાયેલી પ્રજાએ અન્યત્ર આશરા શોધ્યા મહમદ ધોરી અમદાવાદ પાસેના એકયુદ્ધમાં માર્યો ગયો.
આમાંચડાઓ આપણા રાજાઓ સશસ્ત્ર સૈનિકો અને તોપો સાથે યાત્રાળુઓનું રક્ષણ કરતાતેની યાદ અપાવે છે. વર્ષો પછી માંચડાઓનું ચણતર, તેની જૂની ઇંટો અને તેનુંબાંધકામ જુના સમયના બાંધકામ અને આયોજનની યાદ અપાવે છે. માંચડા ઉપર જવા માટેઇંટોના પગથીયા અત્યારે જીર્ણશીર્ણ થઇ ગયા છે.ગુરુ મહારાજનાં માંચડા એ ઉત્તર ગુજરાતનું શ્રેષ્ઠ ટ્રેકિંગ સ્થળ બની રહે તેમ છે.
સિદ્ધનાથ મહાદેવ અને કરમાવાદ આશ્રમ:-
ગુરૂ મહરાજના માંચડાની યાદગાર મુલાકાત બાદ અમે સિધ્ધનાથ મહાદેવના દર્શને અને કરમાવાદ આશ્રમની મુલાકાતે જઈ રહ્યા હતા. અહી અમારે બાળ સંસ્કાર કેન્દ્રના બાળકો કે જેઓ કરમાવાદમાં જ રહે છે જેમણે તાજેતરમાં જિલ્લા કક્ષાની તરણ સ્પર્ધામાં પ્રથમ આવી રાજ્ય કક્ષાએ તરણ સ્પર્ધામાં ભાગ લેવા જવાના છે એમને પ્રોત્સાહિત કરી અભિનંદન પાઠવવાના હતા. ગુરૂ મહારાજ આશ્રમ પહોંચી ભોજન પ્રસાદ લઈ અમે સિધ્ધનાથ મહાદેવ આ બાળકો સાથે ચર્ચા કરી તેમને પ્રોત્સાહિત કર્યા. આ એ બાળકો છે જેમણે કોઈપણ સુવિધા વિના તેમજ જરૂરી સગવડોના આભાવો વચ્ચે કર્માવાદના ભોંખરાઓમાંથી વરસતા વહોળાઓમાં તરવાનું જાતે પ્રશિક્ષણ મેળવીને સિદ્ધિ હાંસલ કરી છે. આ બાળકો કર્માવાદ થી પાંચ કિમી દૂર ચાલતા જલોત્રા હાઇસ્કૂલમાં અભ્યાસ કરવા જાય છે. પ્રકૃતિના આ સંતાનોને યોગ્ય સુવિધા સાથે પ્રશિક્ષણ આપવામાં આવે તો તેઓ જરૂર આગળ વધી શકે એમ છે.
શ્રી સંજયભાઈ જોશી સાહેબ અને ગુરૂભક્તો આ સ્થાને સેવાની ધૂણી ધખાવીને બેઠા છે. જલોતરા તરફથી ગુરૂ દર્શને જતા ભાવિક ભક્તો અને સ્થાનિક બાળકો માટે આ આશ્રમ અત્યંત ઉપકારક બની રહ્યો છે. શ્રી સંજયભાઈ જોશી સાહેબ અમને સિદ્ધનાથ મહાદેવ અને કરમાવાદ આશ્રમ વિશે વધુ વિગતો આપતા જણાવ્યું કે સરસ્વતી તીર્થ કર્ણ નગર,હિરવાણી કે આજના કરમાવાદ નગરના પાદરે સિદ્ધેશ્વરમહાદેવનુંપ્રાચીન સ્થાનક છે. ભોખરા ઉપરથી ચોમાસામાં જે પાણી આવે છે, તેને મહાદેવનુંપાણી’ કહેવામાં આવે છે, કારણ કે તે મહાદેવના ચરણ પખાળતું વહી જાય છે.વર્ષોથી આ સ્થાન અપૂજ છે. જે ગામમાં શિવપૂજા થાય એ ગામ કલ્યાણના રસ્તે વળેછે. શ્રાવણમાસમાં સિદ્ધેશ્વર મહાદેવના દર્શને દરેક ગામના લોકો આવતા.અત્યારે “શ્રી ગુરુ ધૂંધળીનાથ દેવસ્થાન સમિતિ ના યુવાનો આ સ્થાનનો વિકાસથાય તે માટે કાર્યરત છે.
કરમાવાદઆશ્રમ એ ખુબજ પ્રાચીન આશ્રમ છે. શિષ્ય સિદ્ધનાથે અહીં તપસ્યા કરી અનેઅન્નક્ષેત્ર દ્વારા ભૂખ્યાની આંતરડી ઠારી ગુરુ મહારાજની બાધા પૂર્ણ કરવાજતા શ્રદ્ધાળુઓ પ્રથમ પરિવાર સાથે અહી | આવે છે અને આહી જ ગુરુ મહારાજનોપ્રસાદ બનાવવામાં આવે છે. અહી પ્રસાદ અને ભોજન માટેની બધી સગવડ આશ્રમ તરફથીઉપલબ્ધ છે.
આજની અમારી પ્રાચીન અરવલ્લી ગિરિમાળાઓ વચ્ચે આવેલ ઐતિહસિક કરમાંવાદ વિસ્તારની મુલાકાત દરમિયાન શ્રી સંજયભાઈ જોશી સાહેબે અમને મહત્વપૂર્ણ ઐતિહાસિક માહિતી સાથે રસતરબોળ કરી દિધા તો એહમદભાઈ હાડા સાહેબે સુંદર ફોટોગ્રાફી થકી અમારી સમગ્ર યાત્રાને સંભારણારૂપે યાદગાર બનાવી. શકરો ને સ્થાનિક બાળકો એ અમને સમગ્ર યાત્રા દરમિયાન ખૂબ સાથ સહકાર આપ્યો એટલે કહેવાય કે સોનામાં સુગંધ ભળી…..
ગુરૂ મહારાજના પર્વતોમાંથી સુંદર ઝરણાના પાણી વહી રહ્યા હતા અમે અંતે આ ઝરણાઓમાં પગ પખાળી ગુરૂ મહારાજને વંદન કરી અમારી આજની યાત્રા પૂર્ણ કરી.
કર્માવાદમાં આવેલા અન્ય ઐતિહાસિક સ્થાનકો વિશે અમેં સમયાંતરે મુલાકાત લઈને આ બ્લોગ ઉપર લખતા રહીશું.
પ્રકૃતિના સાનિધ્યમાં આવેલ ઐતહાસિક સ્થળો તેમજ ત્યાં ચાલતી સેવાકિય પ્રવૃતિઓ તેમજ વરસાદના પાણીથી ભરપૂર ખીલેલી પ્રકૃતિના દર્શન કરી અમે નવી ઊર્જા અને ઉમંગ સાથે યાદગાર સંભારણા સાથે પરત ફર્યા.
જય શ્રી ગુરૂ મહારાજ
નિતિન પટેલ (વડગામ) – ૦૧.૦૯.૨૦૨૪