જહુ માતાજી મહોત્સવ કુંડેલ
દાંતા તાલુકાના કુંડેલ ગામના વતની વાલજી કાકા (ભગત) છેલ્લા ૫૫ વર્ષથી અનાજ લીધા વિના માત્ર પ્રવાહી ઉપર રહીને તંદુરસ્ત જીવન ગુજારે છે. એની પાછળ આધ્યાત્મિક શક્તિ તો છે જ પણ એમનું પ્રવૃત્તિમય દૈનિક જીવન પણ છે. છેલ્લા ૩૧ વર્ષથી કુંડેલ મુકામે જહુ માતાજી મંદિરે ધાર્મિક મહોત્સવનું આયોજન કરે છે જેમાં કોઈ પણ નાત-જાત ના ભેદભાવ વિના લોકો આવે છે, સામુહિક ભોજન પ્રસાદ લે છે. એક પણ પૈસો દાન પેટે સ્વીકારવામાં આવતો નથી. વાલજીકાકાનું એક એક કાર્ય તમે જુઓ તો એમાં સંપૂર્ણ આયોજનબદ્ધ દેખાશે અને મોટેભાગે તેઓ સ્વબળે જ તમામ કાર્ય કરતા રહે છે. જહુ માતાજીનું મંદિર પણ પોતે સંપૂર્ણ શ્રધ્ધા સાથે બનાવ્યું છે. સાંસારિક સંત એવા વાલજીકાકા કોઈ અંધશ્રદ્ધા માં માનતા નથી પણ અલૌકિક શક્તિ પ્રત્યે તેમને સંપૂર્ણ શ્રદ્ધા અને એ શ્રદ્ધાના બળે ૮૫ ઉપરાંત વર્ષની ઉમરે પણ સંપૂર્ણ તંદુરસ્તીપૂર્ણ જીવન સેવાભાવ સાથે વ્યતિત કરી રહ્યા છે. સ્વ માટે તો દુનિયા આખી જીવે પણ વાલજીકાકા એ અન્યોને મદદરૂપ બની આ ભવમાં જ મોક્ષની પ્રાપ્તિ કરી લીધી છે. એવું મને એમના અહમ શૂન્ય વાણી વર્તન થી તેમજ જે જગ્યાએ તેઓ સેવાની ધૂણી ધખાવી બેઠા છે એ જગ્યાએ અનુભવેલી અલૌકિક અનુભતી થકી સહજ લાગી રહ્યું હતું……કળજુગમાં પણ નિસ્વાર્થ લોકો આ માનવદેહે આ જગતમાં જીવન જીવી રહ્યા છે એનાથી વિશેષ આનંદ કયો હોઈ શકે…..??
દરબાર ગઢ
દાંતા ના રાજવીઓના પ્રાચીન દરબાર ગઢની મુલાકાત એ સમય ના દાંતા રાજ્યની અનેક પ્રાચીન ઈમારતો જોવાનો લ્હાવો મળ્યો. એ સમયે કોઈ પણ આધુનિક સાધનો વિના કેટલા મજબૂત કંસ્ટ્રક્શન થયેલા એ જાણવા સમજવા જેવું છે. પાણી નિકાલ ની વ્યવસ્થા, ખીલા ઝડિત મુખ્ય દરવાજા, પગથીયા, માતાજી મંદિર, રાજ્યકર્તા રાજવીઓ ના ફોટોગ્રાફ્સ , તોપો , તેમજ અન્ય એ સમયની જૂની વસ્તુઓ જોઈ ઇતિહાસની એ સમયની વ્યવસ્થાઓ વિષે જાણી શકાયું…જો કે હાલ તો મોટાભાગની ઈમારતો જર્જરિત થઈ ચૂકી છે પરંતુ દરબાર ગઢની મોટાભાગની ઈમારતોને એમને એમ સાચવવાનો પ્રયત્ન કરાયો છે.
પ્રાચીન નગરી તરસંગ
દાંતા વિસ્તારની કે સમયની રાજધાની તરસંગ માં તરસંગીઓ ભીલ રાજ્ય કરતો હતો તેને હરાવી કેશરસિંહે તરસંગમાં ઈ.સ ૧૨૬૯માં રાજધાની સ્થાપી. ત્યારપછીનો સમય શાંતિપૂર્વક વીત્યો હોય તેમ જણાય છે. ત્યારબાદ જગતપાલ ગાદીએ આવ્યા. તેમના વખતમાં એટલે કે ઈ.સ. ૧૨૯૫-૧૩૧૫ના અરસામાં અલ્લાઉદ્દિને ગુજરાત પર ચઢાઈ કરી ત્યારે તેણે તરસંગ જીતી લીધું. પરંતુ થોડા જ દિવસોમાં માતાજીની કૃપાથી રાણા જગપાળે તે પાછું પડાવી લીધું. અલાઉદ્દીન પાસેથી આ રીતે પોતાનો મુલક પાછો મેળવનાર જગતપાલ એક વીર પુરુષ તરીકે ઘણા જાણીતા થયા. અનેક રાજાઓ અને રજ્વાડાઓ સાથે વિજય પરાજય ની હારમાળા કાવાદાવા તરસંગ રાજધાની સાથે થતા રહ્યા અનેક રાજાઓએ તરસંગની લડાઈઓમાં વિજય મેળવ્યા પણ આ વિજય બહુ ટક્યા નહિ. ત્રીજીવાર ઇડરનો રાવ ચઢી આવ્યો અને તેનો વિજય થયો. જયમલ પોતાના કુટુંબ સાથે તરસંગ છોડી દાંતા સ્થાઈ થયો અને થોડા વર્ષોમાં મરણ પામ્યો તેના મરણ પછી તેના દીકરા જેઠમલે કેટલાક ગુમાવેલા ગામો પાછા મેળવ્યા, પરંતુ તરસંગ ઉજ્જડ થઈ જવાથી વેરાન બની ગયું અને તેથી ઈ.સ ૧૫૪૪માં તરસંગ થી બદલીને દાંતા રાજધાની બનાવાવામાં આવી.
આમ એક રાજધાની નામશેષ પામી તેની ઈમારતોના અવશેષો તો અત્યારે પણ તરસંગમાં જોવા મળે છે એના ખંડિત અવશેષો જોતાં આપણને ખ્યાલ આવે કે એક સમયે તરસંગ રાજ્યની જહોજલાલી હશે ખૂબ મોટા વિસ્તારમાં આ રાજધાનીના અવશેષો જોવા મળે છે. ઝાડી ઝાંખરા એને જંગલ વિસ્તાર સુધી ઊંડે સુધી જઈ શકાય એમ નથી પણ પુરાતત્ત્વ વિભાગ દ્વારા આ જગ્યાનું લોથલ અને હડપ્પાની જેમ ખોદકામ કરવામાં આવે તો કાળ ની ગર્તામાં ડૂબી ગયેલી એક ભવ્ય નગરી ના અનેક રહસ્યો ઉકેલાઇ શકે એમ છે.
માણેકનાથ ગુફા
માણેકનાથ ગુફાની મુલાકાતે જવાનું ઘણા સમયથી મન હતું. બાબા માણેકનાથ એ ૧૫ મી સદીના હિંદુ સંત હતા. અમદાવાદના માણેકચોક સાથે રસપ્રદ ઈતિહાસ ધરાવતી દાંતા તાલુકાની ગીરીમાળાના લોટોલ ગામે માણેકનાથ ગુફા આવેલી છે. આખરે એમાં બિરાજમાન માણેકનાથ ના દર્શન કરી ધન્યતા અનુભવી . બનાસકાંઠા જિલ્લાના દાંતા નજીક લોટોલ ખાતે એક મંદિર છે જે તળેટીમાં ગુફાની નજીક આવેલું છે, ત્યાં સંત માણેકનાથ ધ્યાન કરતા એવું માનવામાં આવે છે.અહી આજુબાજુના વિસ્તારોમાંથી તેમજ દૂર દૂર થી લોકો પોતાના બાળકો ની બાબરી ની વિધિ કરવા આવે છે તેમજ શ્રધાપૂર્વક દર્શન કરે છે. ગુફાખાતેની પ્રાચિન ધૂણી, મહંતના દર્શન, આશીર્વાદ સહિત પ્રસાદનો લ્હાવો લેવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટતા હોય છે . આજુ બાજુ પર્વતો પવિત્ર ગુફાના સ્થાનને રમણીય બનાવે છે. આ સ્થળે વહેવટી સુવિધાઓ સારા એવા પ્રમાણમાં ઊભી કરવામાં આવી છે. ગુફાની સમગ્ર જગ્યાને રીનોવેટ કરીને સુવિધાયુક્ત બનાવવામાં આવી છે.રબારી સમાજ દ્વારા સમગ્ર સંકુલનો વહીવટ કરવામાં આવે છે. ગુફા ના સ્થળ સિવાય લોટોલ ગામે પણ એક સુંદર સુવિધાયુક્ત મંદિર નું નિર્માણ કરવામાં આવ્યું છે જ્યાં દર મહીને વિવિધ દાતાઓ દ્વારા ભોજન પ્રસાદનું આયોજન થાય છે જ્યાં ગ્રામજનો દર્શાર્નાથે આવનાર સો કોઈ ભોજન પ્રસાદ લે છે. મંદિર પ્રાગણમાં ગોશાળા પણ છે. સંત્સંગ હોલ સહીત સમગ્ર મંદિર ની સ્વછતા અને સુઘડતા જોવા જેવી છે. મંદિર કમીટી દ્વારા ખૂબ જ સુંદર રીતે મંદિરનો વહિવટ કરવામાં આવી રહ્યો છે .
જેતપુર પુલ અને સાબરમતી નદી
માણેકનાથ ગુફા લોટોલથી થોડાક જ અંતરે જેતપુર પાસે સાબરમતી નદી ઉપર લાંબો પુલ આવેલો છે , ધરોઈ ડેમનો આ પછવાડાનો ભાગ છે પણ પાણી ભરપૂર છે એમાંય સૂર્યોદય અને સંધ્યા સમયે અહીનું વાતાવરણ દર્શનીય હોય છે એટલે કુદરતના સાનિધ્યમાં સમય પસાર કરવા માટેની ઉતમ જગ્યા છે.