પ્રવાસ મુલાકાત

રાજસ્થાનના આધ્યાત્મિક સ્થળોની મુલાકાત

12મી ઓક્ટોબર,૨૦૨૪ ને  વિજયાદશમીના દિવસે  અમારી ગુજરાતના પાલનપુર નજીક આવેલ વડગામ થી રાજસ્થાનના ઝાલોર જિલ્લાના બડગામની સફર રોચક રહી. ગુજરાતની બોર્ડર ઉપર આવેલ પાંથાવાડાથી આગળ વધીએ એટલે ટ્રકોનો ટ્રાફિક આપણને ટાર્ગેટ કરતો હોય એવુ લાગે . આ બધી ટ્રકો આ રુટ મારફત માલસામાન લઈને કુચાવાડાથી ડીસા તરફ કૂચ કરે અને એથી આગળ કંડલા તરફ વધે એટલે પાલનપુરથી દાંતિવાડા સુધી તો વહેલી સવારે રોડ ખાલી હોવાથી ગાડી પૂરપાટ ઝડપે રાજસ્થાનના બડગામ તરફ હંકારી પણ કુચાવાડા – પાંથાવાડાથી ગાડી સંભાળીને હંકારવી પડે એટલો રોડ ટ્રાફિકથી ધમધમતો લાગે.

મંડારથી બડગામ જતી વખતે અમે વચ્ચે વચ્ચે ઘડીકમાં ગુજરાતની હદ તો ઘડીક રહીને રાજસ્થાનની હદમાં પ્રવેશતા પ્રવેશતા રાજસ્થાનના ઉબડખાબડ તો ગુજરાતના સારા રસ્તાઓ પસાર કરતા નિશાનીરૂપ સમાંતરે જોવા મળતા ગુજરાત વિદ્યુત બોર્ડ ના થાંભલા અને રાજસ્થાન વિદ્યુત બોર્ડના તદ્દન જુદી ડિઝાઈનના થાંભલા જોતા જોતા આગળ વધી રહ્યા હતા. રાજસ્થાનની બોર્ડરની અંદર ગુજરાતના બનાસકાંઠાના ધાનેરાના ગામડાઓની હદ જોવા મળે. કહોને જાણે ઘૂસણખોરી કરી હોય . એક જ માર્ગ ઉપર રાજસ્થાન માં રાજસ્થાનનો વિસ્તાર હોય તો રોડ ઉબડખાબડ થોડાક આગળ વધીએ એટલે ગુજરાત પ્રવેશ્યુ હોય એટલે રોડ સારા , આમ એક જ માર્ગ ઉપર અમને એક જ ઋતુમાં અલગ અલગ અનુભવ થાય એમ એક જ રાષ્ટ્રના બે રાજ્યોને જોડતા એક જ માર્ગ ઉપર અલગ અલગ અનુભવ થયા ..સાથી મિત્રોએ હળવી મઝાક પણ કરી કે ભાઈ આ તો રંગીલુ રાજસ્થાન. મને એવુ સમજ્ણુ કે રસ્તાઓની બાબતમાં દરેક જગ્યાએ કેન્દ્ર સરકારની સીધી દેખરેખ હેઠળ કામ થવુ જોઈએ જેથી રસ્તાઓ બાબતે રાજ્યો વચ્ચે કોઈ ભેદભાવ ન રહે. ખેર અમે એક જ માર્ગ ઉપર બે રાજ્યોની માર્ગ કસોટી ઝીલતા ઝીલતા આખરે બડગામ પહોંચ્યા .

શ્રી તેજાદાદા

બડગામમાં 90 વર્ષના તેજાકાકા બોરતડા પર્વતની ગુફામાં અલખની ધુણી ધખાવી અંજની માતાની ભક્તિ આરાધના કરી રહ્યા છે. સંસારી પણ સન્યાસી જેવુ જીવન જીવી રહ્યા છે. સુખી સંપન્ન તેજાદાદાને મોક્ષપ્રાપ્તિની તીવ્ર ઝંખના છે. આજુબાજુના વિસ્તારોમાં ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે તેમનું ઉત્તમ યોગદાન રહેલું છે. તેજાદાદાની તપોભૂમિમાં જવા અમારે બડગામથી કાચા રસ્તે નેળીયામાં થઈને પહોંચવાનું હતું.

મૂળ આંજણા ચૌધરી કુળના સંતાન એવા તેજા દાદાએ અહી અંજના દેવીની પ્રતીકાત્મક મૂર્તિ સ્થાપીને તેનું પૂજન અર્ચન કરી રહ્યા છે. મોટાભાગનો સમય ઘરબારથી દૂર રહી તેઓ આયુષ્યનું આખારી આયખું દીપાવી રહ્યા છે. પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા તેજાદાદાને મળ્યા ત્યારે સ્થાનિક મારવાડી ભાષામાં તેઓ અમને આવકારી રહ્યા હતા. મેં એમને અંજની માતા સાથે આંજણાકુળ ઇતિહાસ વિશે જાણવા માંગ્યું ત્યારે તેમણે મને સમગ્ર રસપ્રદ ઈતિહાસ મારવાડી ભાષામાં સમજાવા માંડ્યો. મારવાડી ભાષા સાંભળવી જરૂર ગમે પણ ઘણીવાર એમના અર્થ સમજવા મારે મુશ્કેલી પડે પણ છતાં મારે જે જાણવું હતું અને ખાસ કરીને અંજની માતાના આંજણા કુળ સાથેના નાતાની જે વાત મને મેવડના હિરાકાકા એ કહી હતી એ શબ્દે શબ્દ સાચી પડી. તેજા દાદાએ અમને ભોજન પ્રસાદનો આગ્રહ કર્યો. પણ હજુ સમય હતો અને ભોજન પ્રસાદ તૈયાર થાય ત્યાં સુધી અમે નજીક આવેલ બોરતડા પર્વતની મુલકાતે જવાનું નક્કી કર્યું.

શ્રી મંડકીનાથ ધામ

શ્રી શ્રી ૧૦૦૮ ગુરૂ મંડકીનાથજીનું ધામ જે બડગામના બોરતડા પર્વત ઉપર આવેલ છે તે બડગામ અને તેની આજુબાજુના વિસ્તારના પ્રજજાનો માટે આસ્થાનું કેન્દ્ર છે. ગુરૂ મહંત શ્રી ૧૦૦૮ શ્રી કર્ણભારતીજીએ આ જગ્યાએ ૩૦ વર્ષ તપસ્યા કરી આ ભૂમિને ઉજાગર કરી છે. સુંદર ગેટથી શોભિત આ પર્વતની અંદાજીત ૧૫૦૦ ફૂટ ઊંચાઈએ સ્થિત પવિત્ર ધામની અમે વહેલી સવારે ૮.૩૦ વાગે શરૂઆત કરી. ભાવિક ભક્તજનો દ્વારા પગથીયાની વયવસ્થા કરવામાં આવી છે. જેમ જેમ ઉપર તરફ જઈએ તેમ તેમ આજુબાજુનું વાતાવરણ નયનરમ્ય અને આકર્ષક લાગે છે. અમે નયનરમ્ય વાતાવરણનો નજારો માણતા માણતા અને રસ્તામાં જોવા મળતી વિવિધ વનસ્પતિઓનો અભ્યાસ કરતા કરતા પર્વતની ઉપર તરફ પ્રયાણ કરી રહ્યા હતા. જેમ જેમ નજીક જતા ગયા એમ એમ અમને મંડકીનાથજીનું ધામની સવારની આરતીનો મધુર સ્વર કાને પડી રહ્યો હતો. કમનશીબે અમે થોડા મોડા પડ્યા અને આરતીનો લાભ ન લઈ શક્યા. મંડકીનાથજીનું ધામનું સંપૂર્ણ સંકુલ સ્વચ્છ અને સુંદર છે. ત્યાં વિવિધ જરૂરી વનસ્પતિઓ ઉછેરવામાં આવી રહી છે. અદ્દભૂત આધ્યાત્મિક અનુભૂતિ થયા વગર રહે જ નહી એટલું આ પવિત્ર સ્થાનક છે. પર્વતની ટોચે સંપૂર્ણ સંકુલની વયવસ્થા ખૂબ સુંદર છે. ગુફાની અંદર શિવલિંગ છે, માતા પાર્વતીની સુંદર મૂર્તિ છે. પવિત્ર ધૂણી છે. બહારના ભાગે શ્રી હનુમાનની મૂર્તિ તો ગુરૂ મહંત શ્રી ૧૦૦૮ શ્રી કર્ણભારતીજીએ જ્યાં સમાધિ લીધી એનું મંદિર છે. ધર્મશાળા છે. અત્યારે શિષ્યા શ્રી કમલા ભારતીજી મંડકીનાથજીનું ધામનું સંચાલન કરી રહ્યા છે. શ્રી કમલાભારતીજીએ અમને ચા-પાણી કરાવ્યા અને ચુરમાનો પ્રસાદ આપ્યો. મંડકીનાથજી ધામથી તળેટી અને આજુબાજુનો વિસ્તાર દર્શનીય લાગી રહયો હતો. આ ધામને વિકસાવવામાં પધ્ધતિસરની મહેનત કરવામાં આવી હોય એવું લાગી રહ્યું હતું. વારંવાર મુલાકાત લેવી ગમે એવું આ સ્થળ છે. પર્વતથી ઉતારવા માટે એક રેતાળ રસ્તો છે ત્યાંથી જેને ફાવે એ બહુ સરળતાથી રેત સાથે જુગલબંધી કરીને ઝડપી ઉતરાણ કરી શકે છે.

શ્રી સદકા માતા ધામ

ગુરૂ મંડકીનાથજીનું ધામની પવિત્ર તપોભૂમિના દર્શન કરી અમે પરત તેજાદાદાના સ્થાનકે પહોંચ્યા જ્યાં તેજા દાદાએ તેમજ તેમને ભોજન પ્રસાદ બનાવવા મદદ કરવા રાણીવાડાથી પહોંચેલા શ્રી અશોકભાઈએ સ્વાદિષ્ટ શિરુ , રોટા અને કડીનો ભોજનપ્રસાદ ભાવથી તૈયાર કર્યો હતો. મારવાડી ભાષામાં બાટીને રોટા, શીરાને શિરુ કહે છે. પવિત્ર જગ્યાએ પવિત્ર વ્યત્ક્તિઓ ધ્વારા તૈયાર થયેલ પૌષ્ટિક ભોજન પ્રસાદ ગ્રહણ કરવાથી અમારી શારીરરિક ઉર્જાને આગળના પ્રવાસ માટે બળ મળ્યું. શ્રી તેજાદાદા અહીથી અમારી સાથે અંજની માતા અને સદકા માતા પ્રવાસે સાથે જોડાવાના હતા.
બપોરે ભોજન પ્રસાદ ગ્રહણ કરી અમે ગુલાબગંજ પાસે આવેલ અંજની માતા મંદિરી દર્શન કરવા પ્રયાણ કર્યું. રાજસ્થાનના અંતરીયાળ ગામડાઓના સિંગલ રસ્તા ગુજરાત જેવા જોવા ન મળે એટલે માર્યાદિત ગતિએ ગાડી ચલાવવી પડે. તેજાદાદા આ ભોમકાના ભોમિયા એટલે અમારે થોડી નિરાંત. સાંજે મોડા અમે અંજનીધામ પહોંચ્યા એ પહેલા ભાંખરી ગામે અમે અંજનીપુત્ર એવા શ્રી હનુમાન દાદાના મંદિરે દર્શન અને ચા-પાણી કર્યા.
અંજની માતા મંદિરે પૌરાણિક મંદિરને તોડી નવીન આરસના મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહયું છે. ,અમે થોડુંક અજુગતું લાગ્યું. વર્ષો જુનું ઐતિહાસિક મંદિરને તોડી પાડી એની જગ્યાએ નવીન મંદિર નું નિર્માણ એ ઐતિહાસિક ધરોહરને નાબૂદ કરવા બરાબર છે. જુનું મંદિર ઐતિહાસિક ધરોહર રૂપે સાચવી નવીન મંદિરનું નિર્માણ કાર્ય થયું હોત તો યોગ્ય રહેત. આ જગ્યા બહુ પ્રાચીન હશે એ તો એના કોટની દીવાલો અને સ્થળ જોતા તુરંત જ ખ્યાલ આવી જાય પણ અફસોસ કે મને માતાજીનું એ પ્રાચીન મંદિર જોવા ના મળ્યું. એક રૂમમાં સ્થાપિત શ્રી અંજની માતાજીના દર્શન કાર્ય તેમજ કેટલીક પ્રાચીન મૂર્તિઓ પણ જોવા મળી જેના પરથી અંદાજ લગાવી શકાય એ અંજની માતા નું આ સ્થાનક ખૂબ પૈરાણિક હશે. વડગામ તાલુકાના જલોત્રાના સતી રતનફઈ સમાધિ લીધા બાદ અહી પ્રગટ થયા હતા એવી લોક્વાયકા છે.
સાંજ ઢળવાની તૈયારી હતી અને અમારે હજુ અરવલ્લી પર્વત ઉપર બિરાજમાન સદકા માતા દર્શને જવાનું હતું. અંજની માતા દર્શન કરી અમે સદકા માતાજી તરફ જવા નીકળ્યા . રસ્તામાં એક તળાવના દર્શન કર્યા જે પાણીથી સરોવર જેવું દ્રશ્યમાન થતું હતું.

શ્રી સદકા માતાજી

સદકા માતાજી સ્થળ માઉન્ટ આબુના પાછળના ભાગનો વિસ્તાર છે. જંગલ રસ્તે જવાનું હતું. રસ્તા વિશે પૂર્વ માહિતી ઉપલબ્ધ ના હોવાથી અમે જેવા તેવા જંગલના પથરાળ –વાંકા –ચૂકા –ઉબડ –ખાબડ રસ્તે ગાડી હંકારી રહ્યા હતા જે જોખમી હતું. સિંગલ રોડ હતો પણ જર્જરિત હતો એટેલ ગાડીને નુકશાન થાય એવો રસ્તો હતો છતાં અમે જેમ તેમ કરીને એક વ્હોળા સુધી તો ગાડી લઈ ગયા. અહીથી ગાડી આગળ જાય એમ નહોતી એટલે અમારે નિર્જન જગ્યાએ વ્હોળા જોડે ગાડી પાર્ક કરી ત્યાંથી ચાલતા સદકા માતા તરફ આગળ વધ્યા. જંગલ વિવિધ વનસ્પતિઓથી સમૃધ હતું. અરડુસી વ્યાપક પ્રમાણમાં જોવા મળતી હતી. જંગલમાં પહાડી વરસાદી પાણીને સંગહ કરવા સુંદર તળાવ બનાવવામાં આવ્યા છે. તેજાદાદા અને એમના ગુરૂ આવા તળાવ નિર્માણમાં મુખ્ય યોગદાન આપ્યું છે. સાંજ ઝડપથી રાત તરફ ઢળવા માંડી હતી. ખાસ્સું એવું પગપાળા ચાલ્યા બાદ અમે સદકા માતા પર્વતની તળેટીએ પહોંચ્યા જ્યાંથી અમારે બે કિમી જેટલું ચઢાણ હજુ બાકી હતું.

શ્રી જગમાલ બાપુ

તળેટીમાં આવેલ દેવી મંદિરમાં તેજાદાદા એ સંધ્યાઆરતી કરી માતાજીને સુરક્ષિત રીતે અમને સદકામાતાજી મંદિર સુધી પહોંચાડવા પ્રાર્થના કરી. આ મંદિર ઉપર કરમદીના ઝાડનું પ્રાકૃતિક છત્ર બનાવવામાં આવ્યું છે જેથી આ વિસ્તાર કરમદી પોઈન્ટ તરીકે ઓળખાય છે. જંગલ વિસ્તારમાં સાંજના સમયે પ્રવાસ કરો એટલે એક બાબતનો ખ્યાલ રાખવો કે રસ્તો પરિચિત હોવો જોઈએ , ટોર્ચ , પાણી અને સ્વ-સુરક્ષા માટે હથિયાર સાથે રાખવા ખાસ જરૂરી. સાંજના સમયે આકાશામાં વાદળાં હોય તેવા સમયે સમી સાંજે તમને અંધારા નો અહેસાસ જંગલમાં થવા માંડે છે. વિશાળ જંગલ વિસ્તાર એટલે રીંછ અને દીપડા જેવા જંગલી પ્રાણીઓનો ભય પણ ખરો . સમી સાંજે જંગલ ટ્રેકિંગ નો અનુભવ મને જેશોર ટ્રેકિંગ દરમિયાન પણ થયેલો.

રાત્રી ટ્રેકિંગ

નજીક નો રસ્તો પણ ન દેખાય એવું અંધારૂ પૂરેપૂરું છવાઈ ચૂક્યું હતું. અમારા સદનશિબે ચઢાણનો રસ્તો પગથિયા વાળો હતો એટલે રસ્તો ભૂલવાનો પ્રશ્ન ઓછો હતો . પગથીયાની પગથારે અમારે ચઢાણ કરવાનું હતું. આજુબાજુ પાંચ -દશ કિમી ના વિસ્તાર માં ક્યાય પણ માનવ વસ્તી ન હતી. નીરવ અને શાંત વાતાવરણ વચ્ચે અમે ભય મિશ્રિત લાગણી સાથે શ્વસોની ગતિ ને સાચવીને ચઢાણ કરી રહ્યા હતા .

સદકા માતા પર્વત પરથી નયનરમ્ય દ્રશ્ય

અજાણી જગ્યાએ , અજાણ્યા રસ્તે અને એ પણ રાતના સમયે જંગલમાં ટ્રેકિંગ કરવું કેટલું મુશ્કેલ હોય છે એનો રોમાંચકારી અનુભવ પ્રાપ્ત થઇ રહ્યો હતો. કોઈ અગમ્ય શક્તિ અમને મદદ કરી રહી હતી. કેટલું ચઢાણ બાકી છે એનો કોઈ ખ્યાલ આવતો નહોતો. રાતના સમયે જંગલનું રૂપરંગ કંઇક અલગ જ હોય છે.
માતાજીની કૃપાથી અમે હેમખેમ રાત્રે આઠ – સાડા આઠ આવે સદકા માતા સ્થળે પહોંચ્યા ત્યારે અમારી સાથે આવેલ શ્રી તેજાદાદા ઉપર નિવાસ કરતા મહંત શ્રી જગમાલ બાપુને મળીને ભેટી પડ્યા. બન્ને બચપણના મિત્રો ઘણા સમયે તેઓ એકબીજાને મળી રહ્યા હતા એનો એમને અપાર આનંદ હતો. મસ્ત મજાની બાટી બની રહી હતી. અમને ચા પાણી કરાવ્યા બાદ ભાવ –પૂર્વક ચુરમું બાટ-દાળનો પ્રસાદ પીરસવામાં આવ્યો. માઉન્ટ ની પરિક્રમા કરી રહેલા બે બ્રાહમણ યુવાનોએ સરસ મજાનો પ્રસાદ બનાવ્યો હતો તેઓ અમારી જેમ જ પરિક્રમાના ભાગ રૂપે અહી એક દિવસ માટે આવેલ હતા. ત્યાં ઉપર સ્થાનિક રહેવા વાળા તો જગમાલ બાપુ અને એક બે યુવાનો સિવાય કોઈ નહતું. ભોજન પ્રસાદ બાદ મોડી રાત સુધી શ્રી તેજાદાદા અને શ્રી જગમાલ બાપુ બન્ને મિત્રોએ પેટ ભરીને મારવાડી ભાષામાં વાતો કરી જે અમે પણ મોડી રાત સુધી સાંભળતા રહ્યા. બન્ને તપસ્વીઓ ૮૦ થી ૯૦ વર્ષ ને વય હોવા છતાં કોઈ દૈવી શક્તિને પ્રતાપે સ્વસ્થ ઊર્જામય જીવન જીવી રહ્યા હોય એમ લાગ્યું. મોડી રાતે ભારે વરસાદ ચાલુ થયો એટલે અમારે સૌએ ધૂણીવાળી પતરાની ઓરડીમાં જમીન આરામ કરવો પડ્યો. ભારે વરસાદ ને પરિણામે આજુબાજુથી આવી રહેલા ધોધ અને ઝરણાઓના અવાજ ગંભીર નાદ કરી રહ્યા હતા સમજો જાણે શિવ તાંડવ કરતા હોય. વ્હોળામાં નિર્જન જગ્યાએ છોડી આવેલ ગાડીની ચિંતામાં ઊંઘ તો ક્યાંથી આવે ? એક બે કલાક ની માંડ ઊંઘ મળી હશે પણ કોણ જાણે કોણ અમને ઊર્જા અને શક્તિ આપી રહ્યું હતું. એક દિવસમાં બબ્બે પહાડોના ચઢાણ , રાતનો ઉજાગરો છતાં થાકનો લેશમાત્ર પણ અહેસાસ નહતો. આખી રાત વરસાદ વરસ્યો તે સવારના દસ વાગ્યા સુધી ચાલુ હતો. આપણે જ્યારે પર્વત ઉપર હોઇએ અને વરસાદ વરસતો હોય એ દ્રશ્ય અને અનુભૂતિ શબ્દોમાં લખવી શક્ય નથી. વહેલી સવારનો અદ્દભૂત અહેસાસ ને રમણીય દ્રશ્ય જોવા મળ્યું.

સાથી મિત્રો સાથે

સદકા માતાની મૂર્તિ પર્વતની ગૂફામાં છે. સવારની આરતીનો લાભ અમને મળ્યો. વરસતા વરસાદમાં એક બાજુ પાણી વહેતું હોય , એક બાજુ આરતી થતી હોય એ માહોલ એક મનભાવન હતો. સદકા માતાજી ની સુંદર મૂર્તિ સાથે અન્ય દેવ દેવીઓ ની મૂર્તિ સાથે ગર્ભ ગૃહ ને સુંદર રીતે સજાવવામાં આવ્યું છે.
પ્રકૃતિ સાથેનો નાતો તો બચપણથી છે એટલે પ્રકૃતિના ખોળે વિષમ પરિસ્થતિઓમાં પણ ટકી રહેવાની પ્રાકૃતિક ક્ષમતા માં પ્રકૃતિ માતાની કૃપા વિના શી રીતે સંભવી શકે ?
પૂ. જગમાલબાપુ નો ભાવ એવો કે મિત્ર આવ્યો છે તો આગતા સ્વાગતામાં શું કરું અમને કહે તમે સૌ સવારે ભોજન પ્રસાદ લઈને જજો એમાનો આગ્રહ ખૂબ પણ અમારે આગળનો સમય સાચવાવાનો હતો. પર્વત ઉતરતા અને પાછું થોડુંક ચાલવાનું હોવાથી ત્રણેક કલાક ગુલાબગંજ સુધી જવામાં લાગવાના હતા. સદકાં માતાએ સવારના વરસતા વરસાદને લીધે અગિયાર વાગી ગયા હતા. પાસે જ એક મસ્ત ધોધ પડતો હતો એનો કર્ણપ્રિય અવાજ અમે રાતભર માણયો હતો. જગમાલ બાપાએ રાતના ચુરમાને ફરી ધૂણીના તાપે ચડાવ્યું એમાં ભરપૂર શુદ્ધ ઘી અને ગોળ નાખ્યા અમને ગરમાગરમ સ્વાદિષ્ટ ચુરમાનો પ્રસાદ આપ્યો. ચા નો ઉકાળો પાયો એટલે અમે પાછા શરીરમાં ઉર્જા ધારણ કરી સદકા માતા , અરવલ્લીના પહાડ અને સમસ્ત પ્રકૃતિને વંદન કરી તેમજ જગમલબાપાના આશિર્વાદ પ્રાપ્ત કરી એક અનોખી યાત્રા કરી પરત ફર્યા.

– નીતિન એલ. પટેલ (વડગામ )

 

Leave a Comment

Your email address will not be published.

You may also like

Read More

post-image
પ્રવાસ મુલાકાત

રાજસ્થાનના આધ્યાત્મિક સ્થળોની મુલાકાત

12મી ઓક્ટોબર,૨૦૨૪ ને  વિજયાદશમીના દિવસે  અમારી ગુજરાતના પાલનપુર નજીક આવેલ વડગામ થી રાજસ્થાનના ઝાલોર જિલ્લાના બડગામની સફર રોચક રહી. ગુજરાતની બોર્ડર ઉપર આવેલ પાંથાવાડાથી...
Read More
post-image
ઇન્ટરવ્યું મુલાકાત

વ્યક્તિ આત્મહત્યા કેમ કરે છે ? એને અટકાવવાના ઉપાયો શું છે ?

આત્મહત્યા એ કોઇ પણ સમસ્યાનો અંતિમ ઉપાય નથી. આજે સામાજિક જીવનમાં જે રીતે દિન-પ્રતિ દિન આત્મહત્યાઓનુ પ્રમાણ વધી રહ્યુ છે તે માનવજીવન માટે શરમજનક...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

પ્રાચીન અરવલ્લી અને તેની તળેટીમાં આવેલ ઐતિહાસિક કરમાવાદની મુલાકાત – ભાગ-૧

અરવલ્લીના પહાડોની તળેટીમાં વર્ષો પહેલા પાલનપુરના દિવાન કરીમદાદખાને પોતાના નામ ઉપરથી કરીમાદાદ નામનું નગર વસાવ્યું હતું, જે આજે અપભ્રંશ થઈને કરમાવાદ તરીકે ઓળખાય છે....
Read More
post-image
Uncategorized

પ્રકૃતિ દર્શન – સલીમ અલી પોઈન્ટ

૨૮ મી જુલાઈ-૨૦૨૪ ની વહેલી સવારે અમે સૌ પર્યાવરણ પ્રેમી મિત્રો પાલનપુર સ્થિત જન સેવા એ જ પ્રભુ સેવા ગ્રુપ દ્વારા આયોજિત પ્રકૃતિ દર્શન...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

ઉત્તર ગુજરાતના ઐતિહાસિક સ્થળોએ આવેલ પ્રાચીન સ્થાપત્યોની અભ્યાસ મુલાકાત.

૧૪ જુલાઈ ૨૦૨૪ ને રવિવારના રોજ ગુજરાત સ્થિત અતુલ્ય વારસો સંસ્થા દ્વારા હેરીટેજ વોક અંતર્ગત ઉત્તર ગુજરાતના ઐતિહાસિક નગરો એવા મોઢેરા , પાટણ અને...
Read More