પ્રવાસ

ઐતિહાસિક નગર વડનગરનો પ્રવાસ.

આપણી આસપાસ નજીક એવા ઐતિહાસિક અને પ્રવાસન સ્થળો હોય છે કે જેની આપણને પુરતી જાણ હોતી નથી અથવા તો આપણે એની મુલાકાત લઈ શકતા નથી. મહેસાણા જિલ્લામાં આવેલ એક ઐતિહાસિક નગર વડનગરની મુલાકાત લેવાનો સંયોગ ત્રણ માર્ચ 2023ના રોજ બન્યો. વિસનગર ખેરાલુ સ્ટેટ હાઈવે પરથી દિવસના મધ્યાહને વડનગરમાં પ્રવેશ કરતી વખતે રોડની બંન્ને બાજુ હારબંધ ઊભેલા કોડીયાના વૃક્ષ પર ખીલેલા પલાશના પુષ્પો જેવા દેખાતા કોડીયાના પુષ્પો જાણે અમારૂ રંગીન સ્વાગત કરી રહ્યા હતા. હજુ તો માર્ચ મહિનાની શરૂઆત હતી પણ બપોરનો તાપ ચરમશીમાએ હતો પરંતુ વડનગરના ઐતિહાસિક વારસો જોવા જાણવાનો ઊમંગ અમને ખરા તાપમાં ઠંડકનો અહેસાસ કરાવતો હતો.

વડનગરનું સૌથી મહત્વનું આકર્ષણ એ હાટકેશ્વર મહાદેવ છે. જેને વડનગરના બ્રાહ્મણો- નાગરોના ઈષ્ટદેવનું મૂળ સ્થાનક માનવામાં આવે છે. અમે ઐતિહાસિક નગરી વડનગરમાં પ્રવેશ કરવાની સાથે સૌ પ્રથમ પૌરાણિક મંદિર હાટકેશ્વર મહાદેવના દર્શન કરવા પહોંચ્યા. હાટકેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં પહોંચતાની સાથે એક દિવ્ય અનુભૂતિ અનુભવી. મંદિરના જીર્ણોદ્વારનું કાર્ય ચાલી રહ્યું હતું. વિદ્વાનોના મત અનુસાર મંદિરનું ગર્ભગૃહ, અંતરાલ, સભામંડપ અને ત્રણ શૃંગાર ચોકીઓથી વિભૂષિત છે. સમગ્ર મંદિર અનેકવિધ શિલ્પોથી સમૃદ્ધ છે. મંડોવરપીઠ અને મંડપ તથા શૃંગાર ચોકીઓની વેદિકાઓ પર નવ ગ્રહો દિકપાલો અને દેવ-દેવીઓની મૂર્તિઓ તથા કૃષ્ણ- પાંડવના કેટલાક જીવન પ્રસંગ આ મંદિર ઉપર કોતરવામાં આવેલ છે. હાટકેશ્વર મંદિરમાં જોવા મળતા શિલ્પોમાં મૂર્તિ વિધાનકલાની દ્રષ્ટિએ મત્સ્યાવતાર વિષ્ણુનું શિલ્પ સૌથી જાણીતું છે જેમાં જંઘા સુધીનો ભાગ મનુષ્ય આકાર અને તેની નીચેનો ભાગ મત્સ્યાકાર દર્શાવવામાં આવ્યો છે. આ મંદિરમાં દેવીની નાની મોટી ચારસોએએક મૂર્તિઓ છે. મુખ્ય મંદિરની ફરતે ગૌણ મંદિરો આવેલા છે જેમાં કાશી વિશ્વનાથ મહાદેવ કુંભેશ્વર દાનેશ્વર તાર્કેશ્વર રવેશ્વર ચકમેશ્વર સોમનાથ પાતાળેશ્વર જારેશ્વર મુક્તેશ્વર મહાદેવના મંદિરો આવેલા છે વિશાળ જગ્યા પર આવેલા પૂર્વાભિમુખ મુખ્ય મંદિરમાં પ્રવેશવા માટે ત્રણ બાજુ ચોકીયુક્ત પ્રવેશદ્વાર ધરાવતા ત્રિકમંડપની રચના છે. ગર્ભ ગૃહનું તળ સભામંડપ અને અંતરાલના તળથી નીચું છે, જેમાં શ્યામ વર્ણનું લિંગ અને પાર્વતીજીની પ્રતિમા છે.વડનગરને અનેક પુરાતત્વીય અને પ્રાચીન સ્થળોના આશીર્વાદ મળ્યા છે. અને તેમાં સૌથી વધુ લોકપ્રિય શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર છે. તેનું નાગરા શૈલીનું ભારતીય મંદિર સ્થાપત્ય એક અજાયબી છે, ભગવાન શિવના આ મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં એક શિવલિંગ છે. પુરાણોમાં એવું જણાવેલું છે કે પૃથ્વી પરથી સ્વયંભુ પ્રગટ થયેલ પ્રથમ શિવલિંગ છે. શિવલિંગ 1800 વર્ષથી વધુ જૂનું હોવાનું માનવામાં આવે છે જે નાગર- બ્રાહ્મણ સમુદાય દ્વારા પૂજવામાં આવે છે અને મંદિરનું નિર્માણ ગુજરાતના સોલંકી વંશના શાસન દરમિયાન 12મી સદીની શરૂઆતમાં કરવામાં આવ્યું હતું. ગર્ભગૃહની છતમાં ઉંચું શિખર છે અને દિવાલો પર મહાભારત અને રામાયણના વિવિધ દ્રશ્યો કોતરેલા છે. આ મંદિરમાં હિન્દુ દેવતાઓ, નવ ગ્રહો, ભગવાન વિષ્ણુના અવતાર, સમુદ્ર મંથન, શંખ, ઐરાવત વગેરેની સુંદર મૂર્તિઓ છે. હિંદુ ધર્મના ઘણા પવિત્ર ગ્રંથોમાં હાટકેશ્વર મહાદેવ મંદિરની વિવિધ વાર્તાઓનો ઉલ્લેખ છે. અને ભગવાન શિવ, મા પાર્વતી, મહાન ઋષિ વ્યાસ, નાગર બ્રાહ્મણ, ઇન્દ્ર વગેરેની જીવનકથાઓ છે. એવું પણ માનવામાં આવે છે કે આ શિવલિંગ લગભગ 1800 વર્ષ જૂનું છે. શ્રી હાટકેશ્વરના દર્શનાર્થીઓ માટે મંદિર પરિસર માં કેન્ટીન અને કોમ્યુનિટી હોલની સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે.

પૌરાણિક કથા અનુસાર આ ભૂમિ યાજ્ઞવલકય ઋષિની તપોભૂમિ હોવાનું ગણાય છે. તથા ભગવાન હાટકેશ ની કૃપાથી ભૂમિમાં અંતર્ગત અવિરત ગંગા વહે છે તેથી આ નગર મોક્ષ ધામ તરીકે પણ ઓળખાય છે. શ્રી હાટકેશ્વરના ભવ્ય અને પૌરાણિક મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવતા અમે વડનગરના શર્મિષ્ઠા તળાવના દર્શને જવા રવાના થયા. ખરો બપોર અમે માથે લીધો હોવાથી આકરો તડકો અમને હેરાન પરેશાન કરી રહ્યો હતો.

 

શર્મિષ્ઠા તળાવની પાસે શાસ્ત્રીય સંગીતના રસીયાઓ માટે એક થીમ પાર્ક બનાવવામાં આવ્યું છે, જ્યાં ઉત્તર ગુજરાતના વિવિધ દસ શાસ્ત્રીય રાગોને અહીં સાંભળવાની ખૂબ સરસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમે વગર આયોજને વડનગરની મુલાકાતે પહોંચી ગયા હતા એટલે સમય ઓછો હતો જેના લીધે દરેક શાસ્ત્રીય રાગોને મનભરીને નિરાંતે સાંભળવા થોડુ મુશ્કેલ હતુ એટલે શાસ્ત્રીય સંગીતનો થોડો રસાસ્વાદ માણ્યા બાદ અમે ખૂબ સુરત એવા શર્મિષ્ઠા તળાવની મુલાકાતે આગળ વધ્યા.

શર્મિષ્ઠા તળાવની સુંદર બાંધણી કરવામાં આવી છે. દરિયામાં ટાપુ હોય એમ તળાવની વચ્ચે સરસ મઝાની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. તળાવની વચ્ચે ઓપન એર થિયેટર બનાવવામાં આવ્યું જ્યાં સમયાંતરે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે તો તળાવની ફરતે બાંકડાઓ મુકવામાં આવ્યા છે જ્યાં નિરાંતે બેસીને તળાવના રમણીય નજારાની મઝા લઈ શકાય છે. સુંદર પગથાર બનાવ્યા છે. તળાવમાં બોટીંગની સુવિધા પણ છે. તળાવ ફરતે વોકીંગ પાથ બનાવવામાં આવ્યો છે. આનંદપૂર્વક સમય પસાર કરવાની સુંદર વ્યવસ્થા તળાવ ઉપર ઊભી કરવામાં આવી છે. મનમાં વિચાર આવ્યો કે દરેક ગામના તળાવોને આવા સુંદર બનાવવામાં આવે તો કેટલા લોક ઉપયોગી બની શકે.

જનસમુદાયમાં સમેડા તળાવ તરીકે ઓળખાતું વડનગરનું આ તળાવ પુરાણોમાં શર્મિષ્ઠા તળાવ તરીકે જાણીતું છે. નાગરખંડની કથા પ્રમાણે, સોમ વંશના રાજાની દીકરીનું નામ શર્મિષ્ઠા હતું, જેણે તપશ્ચર્યા કરીને પાર્વતીને ખુશ કરેલા અને તેના નામ ઉપરથી આ તળાવ શર્મિષ્ઠા તળાવ તરીકે ઓળખાય છે. પણ તેની રચના જોતાં, તે સોલંકી-કાલીન હોવાનું માનવામાં આવે છે. આ તળાવની અને પાટણના સહસ્ત્રલિંગ સરોવરની રચના એકસરખી હોવાનું જણાય છે. ‘વડનગરમાં જઈ સધરે સમેળા ખોદાવ્યું, ત્રપનસેં ને સાઠ પગથિયાં બંધાવ્યાં જો…’ એ લોકોક્તિ પણ આ તળાવ સિદ્ધરાજેબંધાવ્યું હોવાની વાતને અનુમોદન આપે છે.

શર્મિષ્ઠા તળાવ ઉપર ભરબપોરે ઠંડકનો અહેસાસ અનુભવી અમે વડનગરની આર્ટ ગેલેરી જોવા રવાના થયા. પ્રાચિન વડનગરની સાંકડી ગલીઓમાંથી મહામુશકેલીએ અમારી કાર પસાર કરી અમે આર્ટ ગેલેરી પહોંચ્યા. વ્યક્તિ દીઠ પચાસ રૂપિયા ખર્ચીને અમે આર્ટ ગેલેરી ભવનમાં પ્રવેશ કર્યો તો વાતાનુકુલિત હોલમાં અમને પ્રોજેક્ટર ઉપર વડનગરનો ઈતિહાસ વારસો સંક્ષિપ્તમાં બતાવવામાં આવ્યો ઉપરાંત સમગ્ર આર્ટ ગેલેરીમાં દ્રશ્ય- શ્રાવ્ય માધ્યમો દ્વારા વડનગરની અસલ ઝલક જોવા મળી એમાંય વરચયુલ થ્રીડી ફિલ્મના માધ્યમથી વડનગરની સંપૂર્ણ ઝલક જોવાની મઝા પડી ગઈ. આર્ટ ગેલેરીની મુલાકાત તમને વડનગરની ઐતિહાસિક જાહોજલાલીની સંપૂર્ણ વિગતો એક જગ્યાએ પુરી પાડે છે. સ્ટાફ સાથેની ખૂબ સરસ વ્યવસ્થા આર્ટ ગેલેરીમા ઊભી કરવામાં આવી છે. આર્ટ ગેલેરી વડનગરની અચૂક મુલાકાત લેવી.

આગળનો અમારો મુકામ વડનગરની નાગર કન્યાઓ તાના – રીરી ના સમાધી સ્થળના દર્શનનો હતો. તાના- રીરી એ બંન્ને બહેનો શાસ્ત્રીય રાગમાં નિપુણ એમની સમાધી સ્થળને તાના – રીરી સ્મારક તરીકે સરકાર દ્વારા વિવિધ સુવિધાઓ સાથે ડેવલપ કરવામાં આવ્યું છે.

મહાન મુઘલ સમ્રાટ – અકબર કલા અને સંસ્કૃતિના આશ્રયદાતા હોવાનું સર્વવિદિત છે. વિવિધ રાગગાયકીની કુદરતી બક્ષિસ ધરાવતા મહાન સંગીતકાર તાનસેન – અકબરના દરબારમાંના નવ૨તમાંના એક હતા. એક દિવસ સમ્રાટે તેમને રાગ દીપક ગાવા માટે દબાણ કર્યું. તાનસેને આ રાગગાયકીથી ઉત્પન્ન થતાં ભયંકર પરિણામો જણાવી, સમ્રાટને દુરાગ્રહ છોડવા આજીજી કરી,પરંતુ સમ્રાટે મચક ન આપી.

રાગ દીપક ગાતાં જ મહેલના દીવાઓ તો પ્રગટી ઉઠ્યા પરંતુ તે સાથે તાનસેનના દેહમાં જ્વલનશીલ વેદના થવા લાગી. એકમાત્ર ઉપાય મુજબ – કોઇ અન્ય યથાર્થ રીતે રાગ મલ્હાર ગાઈ તાનસેનને આ દેહદાહમાંથી મુક્તિ અપાવી શકે તેમ હતું. ભારતભરમાં ફર્યા પછી તાનસેનને અંતે વડનગરમાંકોઈરાગ મલ્હાર ગાવાનું જ્ઞાન ધરાવતું હોવાની શકયતાની માહિતી પ્રાપ્ત થઈ.

તેઓ રાત્રિપ્રવાસ કરી વડનગર પહોંચ્યા અને શર્મિષ્ઠા તળાવને કાંઠે આરામગ્રસ્ત થયા. વહેલી પરોઢે સ્ત્રીઓ પાણી ભરવા તળાવકાંઠે આવવા લાગી. સૌનું નિરીક્ષણ કરતાં,તાનસેનનું ધ્યાન ખાસ બે કન્યાઓ ઉપર કેન્દ્રિત થયું, કે જે એક વિશિષ્ટ રીતે ઘડામાં પાણી ભરી રહી હતી, એ બે બહેનો હતી – તાના અને રીરી તાના પોતાનો ઘડો ભરી તરત જ તે ખાલી કરતી હતી. આ ક્રિયાનું વારંવાર પુનરાવર્તન થતાં રીરીએ પૂછ્યું, “બહેન. આમ તું કેટલી વાર સુઘી કરતી રહીશ?” તાનાએ જવાબમાં કહ્યું, “જ્યાં સુધી આપણે તેમાંથી રાગ મલ્હારનો ધ્વનિ સાંભળી ના શકીએ.” આખરે, ઘડામાં પડતાં પાણીમાં રાગ મલ્હારનો સૂરની સરગમ આવે,એ રીતે પાણી ભરવામાં તાના સફળ થઈ. તાનસેને મદદ માટે બંને બહેનોને જણાવ્યું કે તે એક બ્રાહ્મણ છે અને સમ્રાટના દુરાગ્રહને વશ થઈ તેને રાગ દીપક ગાવો પડ્યો. આ સાંભળી પરોપકારી બહેનોએ ગાવા માટે પોતાના વડીલોની સંમતિ મેળવી.

રાગ મલ્હાર ગાવાની શરૂઆત સાથે જ આકાશ કાળાડિબાંગ વરસાદી વાદળથી ઘેરાઈ ગયું અને રાગસમાપ્તિ સુધીમાં ધોધમાર વરસાદ વરસવા લાગ્યો. તાનસેન સંપૂર્ણ કે વરસાદી પાણીમાં પલળી ગયા. ચમત્કારિક રીતે તેઓને જ્વલનશીલામાંથી મુક્તિ પ્રાપ્ત થઈ.

માત્ર તાનસેન જ યથાર્થરૂપે રાગ દીપક ગાવા સક્ષમ છે, તેની જાણ તાનાને હતી, પરંતુ તાનર્સને પોતે બ્રાહ્મણ હોવાનું જણાવ્યું હોવાથી તાનાએ મદદ કરી. પોતાની ઓળખ પ્રગટ થતાં તાનસેને ત્યાં હાજર સૌ ગ્રામજનો સમક્ષ ક્ષમાની યાચના કરી. તાના-રીરી અંગેની માહિતી તાનસેન કદી કોઈને આપશે નહિ તેવીશરતસાથેતેમનેમાફી બક્ષવામાં આવી.

અકબરના રાજકુમારોને આ સમગ્ર ઘટનાની જાણ થતાં તાના રીરીને મેળવવા વડનગર પહોંચે છે અને તાના રીરીને બળજબરી મેળવવા જતાં ગામલોકો સાથે સંઘર્ષમાં મરણ પામે છે .
અકબરને આ ઘટનાની જાણ થતાં લશ્કર વડનગર મોકલે છે વડનગર તહસ નહસ થાય છે અનેક લોકો મરાય છે અને તાના રીરી બહેનોને દિલ્હી દરબારમાં પકડીને લઈ જવામાં આવે છે ત્યારે બંન્ને બહેનો પોતાની વિંટીમાં છુપાવેલ ઝેર ગ્રહણ કરી પોતાનું શરીર ત્યજી દે છે એ જગ્યાએ બંન્ને બહેનોની સમાધી નિર્માણ કરવામાં આવી છે. વિશાળ બગીચો નિર્માણ કરવામાં આવ્યો છે. વડનગરનો ગૌરવરૂપ ઈતિહાસ રહ્યો છે એમા તાના- રીરી બહેનોની શાસ્ત્રીય રાગો ઉપરની પકડ અને તેમની શહાદત ને પણ યાદ કરવામાં આવે છે. દર વર્ષે આ જગ્યાએ શાસ્ત્રીય રાગો ઉપર કાર્યક્રમ આ જગ્યાએ યોજાય છે .

તાના – રીરી સમાધીને નત મસ્તક વંદન કરી અમે વડનગરની આન-બાન- શાન સ્વરૂપ કીર્તિ તોરણ જોવા આગળ વધ્યા.

કીર્તિ તોરણ ને જોતા જ ખ્યાલ આવી ગયો કે તસ્વીરે બતા રહી હૈ કી ઈમારત બુલંદ થી ..અદ્ભુત કલા કારીગરીના દર્શન ઝાઝરમાન કીર્તિ તોરણમાં જોવા મળ્યા. બે ઘડી જોયા જ કરીએ એવા એના રંગ રૂપ અને ઢંગ…

તોરણ એટલે ભારતીય સ્થાપત્યમાં કલાત્મક પ્રવેશદ્વાર. સામાન્ય રીતે, આ તોરણો મંદિરો, વાવ, કુંડ કે તળાવને કાંઠે બાંધવામાં આવતાં હતાં. કેટલીકવાર જ્યારે મંદિર નષ્ટ થઈ જાય અને માત્ર તોરણદ્વાર અસ્તિત્વમાં હોય, ત્યારે તેને ‘યુગલોની ચોરી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમકે,મોઢેરાનું તોરણ‘સીતાની ચોરી’ તરીકે, શામળાજીનું તોરણ ‘હરિશ્ચંદ્રની ચોરી’ તરીકે ઓળખાય છે. વડનગરનું તોરણ લોકબોલીમાં ‘કુંવરબાઈની ચોરી’ તરીકે ઓળખાય છે. આ કીર્તિ તોરણ સ્થાપત્ય રચનાની રીતે મોઢેરાના સૂર્યમંદિર અને સિદ્ધપુરના રુદ્રમાળ(રુદ્ર મહાલય)ને મળતું આવે છે. જેને આધારે તે સોલંકીકાળમાં બંધાયાં હોવાનું માનવામાં આવે છે. તેનાં અદ્ભુત શિલ્પો અને ઝીણા નકશીકામને કારણે તે ગુજરાતનાં તોરણોમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે.

આખરે ખરા બપોરે શરૂ કરેલી વડનગર ની યાત્રા કીર્તિ તોરણ સુધી પહોંચતા પુર્ણ કરવાની ઘડી આવી પહોંચી હતી. સુરજ દાદા આથમવાની તૈયારી કરી રહ્યા હતા. અમારે વાયા ખેરાલુ વડનગરથી વડગામ પહોંચવાનું હતું. યાદગાર વડનગરની મુલાકાતમાં હજુ બૌદ્ધ ગુફાઓ જેવા સ્થળો જોવાના બાકી રહી ગયા હતા. વડનગરના કેટલાક હરવા ફરવાના સ્થળો પણ જોયા જેનો ઉલ્લેખ આ લેખમાં કર્યો નથી. વડનગર એ ઐતિહાસિક નગરી તો ખરી જ પણ એને પ્રવાસન સ્થળ પણ ઘણી શકાય. પરિવાર સાથે મુલાકાત લઈ શકાય એવી મઝાની નગરી છે. આ નગરીને મનભરીને માણવી હોય તો એક દિવસ ટૂંકો પડે એટલે નિરાંતે વડનગરને માણવા – જાણવા ખાસ સમય ફાળવવા જેવો ખરો….

આપ પણ ક્યારેક સમય મળે વડનગર આંટો મારી આવજો…ખૂબ મઝા આવશે.

નિતિન એલ. પટેલ (વડગામ)

Leave a Comment

Your email address will not be published.

You may also like

Read More

post-image
પ્રવાસ મુલાકાત

રાજસ્થાનના આધ્યાત્મિક સ્થળોની મુલાકાત

12મી ઓક્ટોબર,૨૦૨૪ ને  વિજયાદશમીના દિવસે  અમારી ગુજરાતના પાલનપુર નજીક આવેલ વડગામ થી રાજસ્થાનના ઝાલોર જિલ્લાના બડગામની સફર રોચક રહી. ગુજરાતની બોર્ડર ઉપર આવેલ પાંથાવાડાથી...
Read More
post-image
ઇન્ટરવ્યું મુલાકાત

વ્યક્તિ આત્મહત્યા કેમ કરે છે ? એને અટકાવવાના ઉપાયો શું છે ?

આત્મહત્યા એ કોઇ પણ સમસ્યાનો અંતિમ ઉપાય નથી. આજે સામાજિક જીવનમાં જે રીતે દિન-પ્રતિ દિન આત્મહત્યાઓનુ પ્રમાણ વધી રહ્યુ છે તે માનવજીવન માટે શરમજનક...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

પ્રાચીન અરવલ્લી અને તેની તળેટીમાં આવેલ ઐતિહાસિક કરમાવાદની મુલાકાત – ભાગ-૧

અરવલ્લીના પહાડોની તળેટીમાં વર્ષો પહેલા પાલનપુરના દિવાન કરીમદાદખાને પોતાના નામ ઉપરથી કરીમાદાદ નામનું નગર વસાવ્યું હતું, જે આજે અપભ્રંશ થઈને કરમાવાદ તરીકે ઓળખાય છે....
Read More
post-image
Uncategorized

પ્રકૃતિ દર્શન – સલીમ અલી પોઈન્ટ

૨૮ મી જુલાઈ-૨૦૨૪ ની વહેલી સવારે અમે સૌ પર્યાવરણ પ્રેમી મિત્રો પાલનપુર સ્થિત જન સેવા એ જ પ્રભુ સેવા ગ્રુપ દ્વારા આયોજિત પ્રકૃતિ દર્શન...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

ઉત્તર ગુજરાતના ઐતિહાસિક સ્થળોએ આવેલ પ્રાચીન સ્થાપત્યોની અભ્યાસ મુલાકાત.

૧૪ જુલાઈ ૨૦૨૪ ને રવિવારના રોજ ગુજરાત સ્થિત અતુલ્ય વારસો સંસ્થા દ્વારા હેરીટેજ વોક અંતર્ગત ઉત્તર ગુજરાતના ઐતિહાસિક નગરો એવા મોઢેરા , પાટણ અને...
Read More