2022ના જુલાઈ મહિનાની 8 તારીખે વહેલી સવારે પાલનપુર તાલુકાના માલપુરીયા ગામના મુનિજી મંદિરની શુભેચ્છા મુલાકાતે મહંત શ્રી તુલસીદાસ બાપુના આમંત્રણને સ્વિકારી જવાનું થયું, સાથે ચંપો, પારિજાત, ટગર જેવા ફુલછોડ અને બોરસલ્લી જેવા છાંયડો આપતા વૃક્ષ ના રોપા યાદગીરી રૂપે ત્યાં રોપાવા સાથે લઈને ગયો.
મારી એમની પ્રથમ મુલાકાત હતી. તુલસીદાસબાપુ જે રીતે ગાદી ઉપર બેઠેલા હતા એ જોતા મને સંદેહ ગયો કે તેઓ કોઈ ગંભીર બિમારીનો સામનો કરી રહ્યા છે. એમના હાથ -પગ હલન ચલન કરી શકતા ન હતા પણ એમની માનસિક મનોબળ અને સ્વસ્થતા આસમાની હતી. આવી શારીરિક પરિસ્થિતિ વચ્ચે તેઓશ્રી સમગ્ર મંદિરનો વહીવટ કરી રહ્યા હતા એટલું જ નહી આત્મવિશ્વાસ એટલો કે તેઓ આપણી સાથે વાતચીત કરતા હોય ત્યારે આપણને સહેજે ખ્યાલ ન આવે કે તેઓ આટલી ગંભીર બિમારીનો સામનો કરી રહ્યા છે.
દેશી વંશની ગીર તેમજ કાંકરેજ ગાયોની ગંગા ગૌશાળા ( ગૌ શાળા માટે કેટલો સુંદર શબ્દ પ્રયોગ) મંદિર પરિસરમાં આવેલી છે. આપણા દેશી ગૌવંશ ઝડપથી ઘટી રહ્યા છે ત્યારે આવી ગૌશાળાઓનું મહત્વ અનેક ઘણું વધી જતું હોય છે. ગાયો માટે ઘાસચારો જે જીવદયા પ્રેમીઓ મોકલાવે એના ઉપર ગૌશાળા નિર્ભર છે, કારણ કે મંદિર પાસે પોતાની એવી કોઈ જગ્યા નથી જ્યાં ઘાસચારો ઊગાડી ગાયોને નીરી શકાય. ગાયોનું જે દૂધ મળે એમાંથી ઘી બનાવી માર્કેટ ભાવે વેચવામાં આવે છે, એમાંથી થતી આવક માંથી પણ ગૌશાળા નિભાવણી ખર્ચ કાઢવામાં આવે છે.
દર પુનમે ગામની શાળાના બાળકોને ભોજન પ્રસાદ આપવામાં આવે છે. બ્રાહ્મણ, સાધુઓને પણ ભોજન પ્રસાદ આપવામાં આવે છે. દર ગુરુ પૂર્ણિમાના દિવસે સમસ્ત ગામ અહીં સામુહિક ભોજન પ્રસાદ લે છે. આ પરિસરમાં મહાદેવ નું પ્રાચિન મંદિર પણ છે. જોડે જ મહાદેવના નવીન મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.
દરેક ગામના મંદિરોમાં એક ગૌશાળા અવશ્ય હોવી જોઈએ જ્યાં આપણા દેશી ગૌવંશ ની જાળવણી અને નિભાવણી સાથે સાથે એમાંથી પૂરક આવક ઊભી કરી સેવાકીય કાર્યો થઈ શકે.
બાલારામના જંગલોને અડીને આવેલા માલપુરીયા સુધી જંગલમા ઊભેલી અસંખ્ય બોરડીઓના મીઠા – તાજા બોર બોરડીને ઝમકોળી બચપણમાં ખાવાની મઝા તેમજ ચિત્રાસણી પ્રાથમિક શાળામાં ભણતા એ વખતે માલપુરિયા પ્રાથમિક શાળામાં યોજાતા સંસ્કૃતિક કાર્યક્રમો મા ભાગ લેતા એ દિવસો તેમજ સઘનક્ષેત્રથી વાયા માલપુરિયા, સાંગ્રા- કરજોડા – સદરપુર થઈ પાલનપુરની બસ મુસાફરી ની આજથી 35 વર્ષ પહેલાની યાદો માલપુરીયાની મુલાકાત વખતે તાજી થઈ.
નિતીન એલ.પટેલ ( વડગામ)