વડગામ તાલુકામાંથી પસાર થતી સરસ્વતી નદી ઉપર વડગામ તાલુકાના મુક્તેશ્વર ગામે 1980માં અંદાજિત 1600 લાખ રૂપિયાના ખર્ચે મુક્તેશ્વર બંધ બાંધવાની શરૂઆત થઇ હતી. આ બંધનો મુખ્ય ઉદ્દેશ ખેતી માટે સિંચાઈની સુવિધા પુરી પાડવાનો હતો. આ બંધના નિર્માણથી વડગામ તાલુકાના ખેડૂતોને ભૂગર્ભ પાણીની સમસ્યા માંથી છૂટકારો મળવાની આશા બંધાણી હતી પરંતુ એ આશા અરમાનો ઉપર 40 વર્ષના ઈંતજાર બાદ પાણી ફરી વળ્યા એટલું જ નહી આ 40 વર્ષો દરમિયાન રહ્યા સહ્યા ભૂગર્ભજળ ઉલેચાઈ ચૂક્યા. વડગામ તાલુકાના ખેડૂતો બોરવેલના ખર્ચા કરી કરી દેવાના બોજ તળે દબાતા ગયા. સરકારો બદલાતી રહી પણ વડગામ તાલુકાના ખેડૂતોનું કિસ્મત અનેક પ્રયત્નો છતાં ન બદલાયું. પરિસ્થિતિ એવા મોડ ઉપર આવીને ઊભી રહી કે ખેડૂતો ન રહ્યા ઘરના કે ન રહ્યા ઘાટના. આ બાજુ તાલુકામાં ભૂગર્ભજળ ખૂટતા ગયા બીજી બાજુ નર્મદાના નીર અને કરમાવાદ તળાવ ભરાવાના દિવાસ્વપ્ન ક્યારેય સાકાર ન થયા.
મુક્તેશ્વર યોજનાનું અમલીકરણ શરુ થયું ત્યારે વડગામ તાલુકાના કુલ 21 , ખેરાલુ તાલુકાના 10, સિદ્ધપુર તાલુકાના 2 એમ કુલ 33 ગામોને આ લાભ મળવાનો હતો એમાંથી કેટલા ગામોને ખરા અર્થમા પાણીનો લાભ મળેલ છે એ ચર્ચાનો વિષય છે. વડગામ તાલુકામાંથી પસાર થતી સરસ્વતી નદી હવે મોટાભાગની નદીઓના જેમ બારમાસી નદી રહી નથી, ચોમાસામાં ઉપરવાસમાં સારો વરસાદ વરસે તો ડેમમાં પાણી ભરાય અને ચોમાસુ નિષ્ફળ જાય તો ડેમ તળીયા ઝાટક જણાય એટલે મોટેભાગે તો મુક્તેશ્વર ડેમ તળીયાઝાટક જ જોવા મળે એટલે એમાંથી ખેત સિંચાઈના પીવાના પાણીની સુવિધા નિયમિત મળે એ સ્વપ્ન જેવુ જ ગણાય. આમ પણ મુક્તેશ્વરડેમની ગણના ગુજરાતના મોટા અને મુખ્ય ડેમોમાં થતી નથી. માત્ર 5.78 સ્કવેર કિલોમીટરનો સંપૂર્ણ જળાશય વિસ્તાર છે. હવે નદીના પાણીથી ડેમ ભરાય અને સિંચાઈ માટે પાણી મળે એ આશા તો ઠગારી જ નીવડવાની છે કારણકે વડગામ તાલુકામાંથી પસાર થતી સરસ્વતી નદી મૃતપ્રાય બની ચૂકી છે. એ માત્ર ક્યારેક સારુ ચોમાસું હોય તો જ જીવંત જોવા મળતી હોય છે. વિકલ્પ માત્ર બે છે ધરોઈ કે નર્મદાનું પાણી વરસંગ તળાવમાં નાખવામાં આવે અને ત્યાંથી લિફ્ટિંગ કરી મુક્તેશ્વર ડેમમાં નાખવામા આવે અને એ પાણી મુક્તેશ્વર ડેમમાંથી કેનાલ અને પાઈપલાઈન મારફતે વડગામ તાલુકાના ગામડાઓના તળાવો ભરવામાં આવે તો ભૂગર્ભજળની સમસ્યાઓનો મહદ અંશે ઉકેલ મળી શકે.
મુક્તેશ્વર એ શ્રધ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતિક પણ છે. અહી પ્રાચિન શિવમંદિર છે તો પાંડવોના કુળદેવી ચામુંડા માતાજીનું સ્થાનક પણ છે. લોકો અહી સરસ્વતી નદીમાં પિતૃતર્પણવિધી માટે પણ આવે છે. પાંડવો અહીં વનવાસ દરમિયાન રોકાયા હતા. કુદરતી સૌંદર્ય ધરાવતા મુક્તેશ્વરના ડેમમાં પાણી નાખવામાં આવે તો વડગામ તાલુકાના ભૂગર્ભ જળની સમસ્યાતો હલ થઈ શકે એમ છે તો સાથે સાથે પ્રવાસન ઉદ્યોગ પણ વિકસી શકે એમ છે. તીર્થધામ વિકાસ યોજનામાં પણ મુક્તેશ્વરનો સમાવેશ કરી શકાય એમ છે.
હમણાં એક વર્તમાનપત્રમાં સમાચાર વાંચ્યા કે ખેરાલુ- સતલાસણાના 44 ગામના તળાવો 130 કરોડના ખર્ચે નર્મદાના પાણીથી ભરાશે. ધરોઈથી પાણી વરસંગ તળાવમાં અને તયાંથી પાઈપલાઈન દ્વારા 44 ગામોના તળાવો ભરાશે. બંને તાલુકાના 44 ગામોને લાભ મળશે અને એ આનંદના સમાચાર છે પરંતુ ધરોઈનું પાણી વરસંગ તળાવ મારફત વડગામ તાલુકાના મોકેશ્વર ડેમમાં નાખવામાં આવે તો ખેરાલુ – સતલાસણાના 44 ગામના તળાવ ઉપરાંત વડગામ તાલુકાના ગામડાઓને પણ ધરોઈનું પાણી સિંચાઈ હેતુ ઉપયોગી થઈ શકે એમ છે એટલું જ નહી પણ વડગામ તાલુકાની ભૂગર્ભજળ સમસ્યા હલ થવાની સાથે સાથે મુક્તેશ્વરનો પ્રવાસ ધામ તરીકે પણ વિકાસ થઈ એમ છે. સરસ્વતી નદીના ડેમ મારફત પાણી છોડવામાં આવે તો આજુબાજુના જીવજંતુ અને પ્રકૃતિ ખીલી ઊઠે એમ છે. અને એટલું કહેવાનું કે વડગામ તાલુકા પણ ગુજરાતનો એક ભાગ છે એટલે એને પણ ધરોઈ અને નર્મદા ના પાણી પહોંચાડવા એ સરકારશ્રીની બંધારણીય અને નૈતિક જવાબદારી બને છે. અત્રે મુકેશ્વર ડેમના ફોટોગ્રાફ્સ માટે મિત્ર કાર્તિક મિસ્ત્રી તેમજ ધરોઇ વયા વરસંગ તળાવ પાણી કેવી રીતે ધરોઈ દેમ સુધી પહોચી શકે તેનો ગુગલ મેપ તૈયાર કરનાર વડીલ મિત્ર ગૌરવભાઇ પંડિત તો વિશેષ આભારી છું.
– નિતિન એલ. પટેલ (વડ્ગામ – બનાસકાંઠા )